ગાંધીનગર : અયોધ્યામાં પીએમ મોદી (PM Modi)એ રામ મંદિરનું ભૂમિપૂજન (Ram Temple Bhumi Pujan) કરતા જ હવે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. આ પ્રસંગે અનેક લોકોએ પોતાના જૂના સંસ્મરણો વાગોડ્યા હતા. લોકો સોમનાથ-અયોધ્યા રથયાત્રાને લઈને કે પછી રામ મંદિર સાથે જોડાયેલી યાદો અંગે સોશિયલ મીડિયામાં માહિતી શેર કરી રહ્યા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ છેલ્લા બે દિવસમાં રામ મંદિર સાથે જોડાયેલા ત્રણ ટ્વીટ કર્યાં છે. ભૂમિપૂજન બાદ 'બાપુ'ના હુલામણા નામથી જાણીતા શંકરસિંહે ટ્વીટ કર્યું છે કે, અમુક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે. આ સાથે જ શંકરસિંહે બે તસવીર પણ શેર કરી છે. (શંકરસિંહે શેર કરેલી તસવીર)
શંકરસિંહે કોના તરફ નિશાન તાક્યું? : શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કર્યું છે કે, "ઇતિહાસમાં પોતાનું યોગદાન દેનારા લોકો માટે ઉદેશ્ય મહત્ત્વનો હતો નહીં કે પોતાની જ વાહવાહી. આ માટે જ બૂમ-બરાડા પાડીને ઇતિહાસ કહેવામાં આવ્યો ન હતો. પરંતુ આજકાલ જ્યારે અમુક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે ત્યારે ઇતિહાસ યાદ અપાવવો જરૂરી છે."
આ ટ્વીટ સાથે જ શંકરસિંહ વાઘેલાએ બે તસવીર પોસ્ટ કરી છે. જેમાં પહેલી તસવીરમાં તેઓ મુરલીમનોહર જોશીની આગેવાનીમાં વર્ષ 1992માં શ્રીનગરના લાલચોકમાં નજરે પડી રહ્યા છે. આ તસવીરમાં તેમની સાથે પીએમ મોદી પણ દેખાઈ રહ્યા છે. એ સમયે લાલચોક પર ત્રિરંકો ફરકાવીને આતંકીઓને પડકાર ફેંકવામાં આવ્યો હતો. બીજી એક તસવીરમાં તેઓ લાલકૃષ્ણ અડવાણી સાથે રથ પર નજરે પડે છે. જેમાં તેમણે લખ્યું છે કે વર્ષ 1990માં જ્યારે લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં સોમનાથથી અયોધ્યા માટે રથયાત્રા નીકળી હતી ત્યારે તેમણે ગુજરાત ભાજપાના અધ્યક્ષની જવાબદારી નિભાવી હતી.
અન્ય એક ટ્વીટમાં શંકરસિંહે સોમનાથથી અયોધ્યા સુધીની રથાયત્રા અંગે સંસ્મરણોને વીડિયો પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, "રથયાત્રાના આયોજન દરમિયાન જ્યારે મેં અટલ બિહારી વાજપાયી સાથે વાત કરી હતી ત્યારે તેમણે આ મુદ્દે રાજનીતિ ન થાય તે અંગે ચેતવણી આપી હતી. પરંતુ ભાજપાએ આજ દિવસ સુધી આ મુદ્દે વોટની ખેતી કરીને શ્રદ્ધાના વિષયને રાજનીતિનો મુદ્દો બનાવીને ઘોર પાપ કર્યું છે."