મયુર માકડિયા, ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો પર વિજય મેળવી એક નવો ઇતિહાસ રચી દીધો છે, પરંતુ આ ઇતિહાસ રચવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારનું આયોજન અને ચૂંટણીનું માઇક્રો પ્લાનિંગ કર્યું તેનું પરિણામ છે. વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન, ઠાકોર સેના અને જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી સામે રાજ્યમાં સત્તા બચાવવા માટે પડકાર ફેંક્યો હતો. આ પડકારના કારણે ગુજરાત પ્રદેશમાં કોંગ્રેસ આંદોલન ઉપર સવાર થઈ સક્રિય થઈ અને સત્તા મેળવવાના સપના જોવા લાગી, પરંતુ તે સમયના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતે ગુજરાત આવી ગુજરાતમાં 99 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બચાવી પણ લીધી અને બનાવી પણ દીધી હતી. વિજય રૂપાણીને ફરીથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ પણ અપાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર કોંગ્રેસના મોટા ચહેરાઓને ભારતીય જનતા પાર્ટીએ પક્ષમાં સામેલ કરવાનું ચાલુ કર્યું હતું. કારણકે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં 26માંથી 26 બેઠક મેળવવા માટેની કામગીરી કરવી હતી. લોકસભામાં એક પણ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી હારે તે તેમના માટે પરવડે તેવું ન હતું અને તે જ કારણોસર લોકસભાની ચૂંટણીમાં પાર્ટી એ કોંગ્રેસના જુદી જુદી જ્ઞાતિના મોટા નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા. આહિર સમાજનો કોંગ્રેસનો મોટો ચહેરો જવાહર ચાવડા હોય કે કોળી સમાજનો મોટો ચહેરો કુવરજી બાવળિયા હોય, આ તમામને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી અને લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવવામાં સફળ રહ્યું.
લોકસભાનો વોટ શેર અને તે વિધાનસભામાં કન્વર્ટ કરતા 2019ના પરિણામ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 172 બેઠક ઉપર લીડ સાથે જીત મેળવતી હતી. હવે સવાલ આવ્યો કે ભારતીય જનતા પાર્ટી આ ઐતિહાસિક જીત વિધાનસભા ચૂંટણીમાં કઈ રીતે મેળવે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2019માં લોકસભાના ઇતિહાસમાં સૌથી વધુ લીડ સાથે જીત મેળવનાર સી.આર પાટીલ સામે નજર દોડાવી. સી. આર. પાટીલ સૌથી વધુ લીડ સાથે જીત્યા હતા પરંતુ તેમની ખાસિયત એ હતી કે એક પણ સભા સરઘસ નીકાળ્યા વગર નવસારી લોકસભા બેઠક પર તે માઇક્રો પ્લાનિંગના થકી જીત મેળવતા હતા અને આ જ માઇક્રો પ્લાનિંગની જરૂરિયાત એ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની હતી.
સી. આર. પાટીલને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને આ સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ નવા ઇતિહાસ રચવાના અધ્યાયનો પ્રારંભ કરી દીધો. જેની અંદર પહેલી જીત સી. આર. પાટીલે વિધાનસભાની આઠ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ પાસેથી આઠ બેઠકો છીનવી અને જીત પ્રાપ્ત કરી હતી. પાટીલ દ્વારા પહેલી વખત અબડાસા વિધાનસભામાં તેની પેટા ચૂંટણીમાં પેજ સમિતિનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. અબડાસા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીને સો ટકા પરિણામ પ્રાપ્ત થયા અને પછી જ કમિટીનું રામબાણ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોને સૂચવવામાં આવ્યું. દરેક ચૂંટાયેલા સભ્ય સરપંચથી લઈને સાંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને પોતાની વિધાનસભામાં સો ટકા પેજ સમિતિ પૂર્ણ કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સૂચના આપી હતી.
આ પેજ સમિતિને ડિજિટલ કરી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ દરેક વિધાનસભામાં એક મોટી ડેટાબેંક તૈયાર કરવામાં આવી અને આ ડેટા બેન્ક ભારતીય જનતા પાર્ટીનું જીતનું શસ્ત્ર હતું, જેની અંદર 80 લાખ જેટલા પરિવારોની વિગતો હતી. ભારતીય જનતા પાર્ટી આ તમામ ડેટાબેઝનો ઉપયોગએ મોટા પ્રમાણમાં તૈયારી કરી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા સહિતની ચૂંટણીમાં પેજ સમિતિના રામબાણનો ઉપયોગ કરવામાં આવ્યો. જેનું પરિણામ એ આવ્યું કે ભારતીય જનતા પાર્ટી 90 ટકા જેટલી બેઠકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીતી હતી. તમામ મહાનગરો અને તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી.
ત્યાર બાદ પાટીલે સંગઠનને મજબૂત કરવાની સાથે સાથે જિલ્લા કક્ષાએ કાર્યકરો સાથે મુલાકાત ચાલુ કરી અને જે કાર્યક્રમનું નામ વનડે વન ડિસ્ટ્રિક્ટ આપવામાં આવ્યું હતું. જેમાં પાટીલ દ્વારા જુદી-જુદી જ્ઞાતિઓના પ્રતિનિધિઓ ઉપરાંત પેજ કમિટીની કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હતી. આજ પેજ કમિટી ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં સૌથી વધુ બેઠક, સૌથી વધુ વોટ શેર અને સૌથી વધુ લીડ સાથે જીતનો રેકોર્ડ નોંધવામાં મદદરૂપ સાબિત થયું. પાટીલે અધ્યક્ષ બનતાની સાથે જ 182માંથી 182 વિધાનસભા બેઠક જીતવાનું લક્ષ્યાંક રાખેલો હતો અને જેનું પરિણામ એ આવ્યું કે ભાજપ પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.