સંજય ટાંક, અમદાવાદ: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી માર્ચ માસમાં યોજાવાની છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું પરિણામ સુધારવા પણ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓનું પરિણામ કેવી રીતે ઉંચુ લાવી શકાય તે માટે યોજના તૈયાર કરવામાં આવી છે. 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓને દત્તક લેવાની યોજનાની વિચારણા કરવામાં આવી છે.
ગત વર્ષે અમદાવાદ જિલ્લાની અંદાજે 150 જેટલી શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું હતું. જ્યારે અંદાજે 20 જેટલી શાળાઓ એવી સામે આવી હતી કે, જે છેલ્લા 3 વર્ષથી પરિણામ ઓછું લાવી રહી છે. સતત નબળા પરિણામ ધરાવતી શાળાઓનું પરિણામ સુધારવા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
આ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી જણાવે છે કે, આગામી 14 માર્ચથી બોર્ડની પરિક્ષા યોજાવાની છે. તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા શાળા સંકલન સમિતિની બેઠક પણ આ મામલે બોલાવવામાં આવી હતી અને પરિક્ષાને લગતા જરુરી સુચનો આપવામાં આવ્યા હતા. જે શાળાઓએ જાતે પરિણામ સુધારવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હોય તે પણ શાળાઓ પાસેથી મંગાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, 30 ટકાથી ઓછું લાવનારી શાળાઓનું પરિણામ સુધારવા ખાસ શાળા દત્તક યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં બોર્ડની પરીક્ષામાં જે શાળાનું રિઝલ્ટ ખુબ સારું આવ્યું હોય તેવી શાળાની નજીકની જે શાળાનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યું હોય તેવી શાળાઓને દત્તક આપવાની. એટલે કે, સારા પરિણામવાળી શાળાના આચાર્ય અને શિક્ષકો નબળી શાળાની મુલાકાત લઈ પરિણામ ઉંચુ આવે તેવા જરુરી માર્ગદર્શન આપશે.