અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે. આગામી 8મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળતો હોય તેવું જાણવા મળી રહ્યું છે. બીજા તબક્કામાં ઓછા મતદાને જરૂર ચર્ચા જગાડી છે. રાજ્યના 11 જિલ્લામાં 60 ટકાથી ઓછું મતદાન નોંધાયું છે. વડોદરા જિલ્લામાં 14.58 ટકા અને અમદાવાદ જિલ્લામાં 13.53 ટકા ઓછું મતદાન થયું છે. મતદાન બાદ હવે આપણે જોઇશું કે, પીએમ મોદીએ જ્યાં-જ્યાં સભાઓ કરી, ભાજપ-કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો, પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો, જ્યાં મોટા-મોટા નામ હતા ત્યાં મતદાન કેવું થયું છે?
મોરબી પુલ હોનારતને લીધે ચર્ચામાં રહ્યું છે. આ હોનારત બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામની નજર આ બેઠક પર રહી હતી. આ બેઠક પર 97.16 ટકા મતદાન થયું છે. જે 2017ની સરખામણીએ 4.58 ટકા ઓછો છે. આવી રીતે જ બોટાદ જિલ્લામાં, જ્યાં લઠ્ઠાકાંડ થયો હતો ત્યાં 57.29 ટકા મતદાન થયું છે, 2017ની સરખામણીએ 5.24 ટકાનો ઘટાડો છે. જ્યારે ગાંધીનગરમાં 55.88 ટકા મતદાન થયું. 2017થી 14.06 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આંદોલનકારીઓની બેઠકો પર શું સ્થિતિ? અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ મેદાને છે. આ બેઠક પર 60.31 ટકા મતદાન થયું છે. જ્યારે 2017 કરતાં 7.85 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અલ્પેશ ઠાકોરની બેઠક ગાંધીનગર દક્ષિણ પર 58.21 ટકા, જ્યારે 2017થી 12.56 ટકાનો ઘટાડો થયો છે. જિજ્ઞેશ મેવાણીની બેઠક વડગામમાં 60.17 ટકા મતદાન, જ્યાં 2017 કરતાં 12 ટકાનો ઘટાડો થયો છે.
ભાજપના દિગ્ગજો છે, ત્યાં કેવું મતદાન? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા સીટ પર 55.04 ટકા મતદાન થયું છે. જ્યાં 2017 કરતાં 13.67 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઋષિકેશ પટેલની વિસનગર બેઠક પર 66.12 ટકા મતદાન, 2017 કરતાં 8.84 ટકાનો ઘટાડો છે. યોગેશ પટેલની માંજલપુર બેઠક પર 59.5 ટકા મતદાન, 2017ની સરખામણીએ 9.49 ટકાનો ઘટાડો.
કોંગ્રેસના નામી ચહેરા, ત્યાં કેવું મતદાન? સુખરામ રાઠવાની પાવી જેતપુર બેઠક પર 64.1 ટકા મતદાન, જે 2017 કરતાં 5.22 ટકાનો ઘટાડો છે. પરેશ ધાનાણીની અમરેલી બેઠક પર 56.50 ટકા મતદાન, 2017 કરતાં 6.93 ટકાનો ઘટાડો છે. અર્જુન મોઢવાડિયાની પોરબંદર બેઠક પર 61.98 ટકા મતદાન, 2017ની સરખામણીએ 2.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.