આ એક્ઝિબિશનના સંયોજક અને ઇતિહાસના જાણકાર રિઝવાન કાદરીએ જણાવ્યું છે કે, ‘સૌથી પહેલાં અમદાવાદમાં મતાધિકારનો ઇતિહાસ કઈ રીતે ઉદ્ભવ્યો અને આગળ વધ્યો તેની ઝલક આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવી છે. અમદાવાદનો ઇતિહાસ રહ્યો છે કે જેમ આ શહેરના નાગરિકોએ સામેથી કર આપવાનું સ્વીકારીને સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પાયો નાખ્યો હતો. તેમ 1874માં નાગરિકોએ સામેથી ચૂંટણી કરાવવાની માગણી કરી હતી.’
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘એ વખતે માગણી નકારવામાં આવેલી, પરંતુ 1885ની 15મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં ગુજરાતની સર્વપ્રથમ ચૂંટણી યોજાઈ હતી. સાત વોર્ડની 14 બેઠકો માટે યોજાયેલી એ ચૂંટણીમાં 1914 મતદારોના મત માન્ય ઠર્યા હતા. એ ચૂંટણી અંગેના દસ્તાવેજની ઝલક પણ આ એક્ઝિબિશનમાં માણી શકાશે. દેશની સર્વપ્રથમ ચૂંટણી વખતે નાગરિકોની સમજ માટે તૈયાર કરવામાં આવેલી પુસ્તિકાનાં પાનાં પણ આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવ્યા છે.’