છેલ્લા કેટલાક દિવસોથી સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, હજી આગામી પાંચ દિવસ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં હળવી વીજળી, વાવઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગરમીમાં ઘટાડાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સમયમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, અરવલ્લી, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં હળવા વાવાઝોડા અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના કુલ આઠ શહેરોમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો. જોકે હજુ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ડીસામાં 42.4 અને અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમીના કારણે શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા હતા.
નોંધનીય છે કે, ગત મંગળવારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો. આ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઇ હતી. અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોવિંદપુર, કુબડામા ધોધમાર વરસાદ વરસતા ગામના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સુખપુર ગામની સ્થાનિક નદીમાં પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારીના સુખપુરમાં કરાનો વરસાદ. ગામમાં જાણે બરફવર્ષા થઈ તેવો માહોલ જોવા મળ્યો હતો. એક કલાક સુધી વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું. અચાનક જ કરાનો વરસાદ ખાબકતા લોકો સ્તબ્ધ થયા છે. વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે.