આઠમી ડિસેમ્બર એટલે આજે, ભારત બંધના (Bharat bandh) એલાનને ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) સમર્થન આપ્યુ છે. ત્યારે રાજ્યમાં વહેલી સવારથી કૉંગ્રેસ વિરોધ પ્રદર્શનમાં (Protest) લાગી છે. અમદાવાદ જીલ્લા કૉંગ્રેસે સાણંદ કંડલા હાઇવે પર વહેલી સવારે જાહેર રસ્તાઓ પર ટાયર સળગાવીને ચક્કાજામ કર્યો હતો. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે વાહનોની એક કિલોમીટર લાંબી કતારો સર્જાઇ હતી. જોકે, આ વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ એમ્બ્યુલન્સને જવાનો માર્ગ કરી આપ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સાણંદ પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. (ઇનપુટ અને તસવીરો : પ્રણવ પટેલ)
અમિત ચાવડાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ખેડૂતો અન્નદાતા છે. તેમના હક- અધિકાર માટે સરકાર સામે છેલ્લા શ્વાસ સુધી લડીશુ. પરંતુ કોઇપણ સામાન્ય માણસ પરેશાન ન થાય તે પણ અમારી જવાબદારી છે, તે અમારી જવાબદારી બખૂબી જાણીએ છીએ. જરૂરી સેવા ન રોકાય તેનું ધ્યાન કાર્યકર્તાઓ અને ખેડૂતો રાખી રહ્યાં છે. નોંધનીય છે કે, સાણંદ કંડલા હાઇવે પર વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ એમ્બ્યુલન્સને જવાનો માર્ગ કરી આપ્યો હતો.
ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યુ છે. બંધને સફળ બનાવવા કોંગ્રેસ પ્રદેશ નેતાઓની એક બેઠક મળી હતી જેમાં ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં હાઇવે ચક્કાજામ કરવા, વિરોધ પ્રદર્શન કરવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત પોલીસ સાથે ઘર્ષણમાં ન ઉતરવા પણ કાર્યકરોને આદેશ કરાયો છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, બંધના એલાનના પગલે સરકાર ફફડી ઉઠી છે. આ બંધને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. કૃષિ કાયદાનો કોંગ્રેસ પહેલેથી વિરોધ કરી રહ્યુ છે. મુખ્યમંત્રી બંધમાં જોડાય નહી તે માટે ટીવીના માધ્યમથી લોકોને ડરાવી રહ્યાં છે. બંધમાં લોકો સ્વૈચ્છિક રીતે જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે.