સંજય ટાંક, અમદાવાદ: રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યના 32 જિલ્લામાં 3243 કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરાયું છે. 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતિ અને ગેરવ્યવસ્થા ન થાય તેને લઈને તંત્ર દ્વારા કડક ચેકિંગ કરાયું. પરીક્ષા આપવા આવેલા ઉમેદવારના માસ્ક અને દુપટ્ટા પણ દૂર કરાવ્યા અને ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સિવાય અન્ય પાણીની બોટલો પણ દૂર કરાવી હતી.
દૂધનો દાજયો છાશ પણ ફૂંકીને પીવે તેવી હાલત હાલ ગૌણ સેવા પસંદગી મંડળની છે. કારણકે, છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણવાર રદ થયેલી પરીક્ષા આખરે લેવાઈ રહી છે ત્યારે આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય ગેર વ્યવસ્થા ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ ફુલપ્રુફ પ્લાનિંગ કર્યું છે. તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
પરીક્ષા કેન્દ્ર મોબાઈલ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવાર કે નિરીક્ષકો મોબાઈલ રાખી ન શકે તેવી ફુલપ્રુફ વ્યવસ્થા પરીક્ષા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેને લઈ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશી રહેલા ઉમેદવારઓના પોલીસ અને નિરિક્ષકો દ્વારા માસ્ક અને દુપટ્ટા પણ દૂર કરાવ્યા હતા. જેથી કરીને પરીક્ષા માટે આપવામાં આવેલી હોલ ટિકિટ પર ઉમેદવારનો ફોટો અને પરીક્ષા આપવા આવેલ ઉમેદવારનો ચહેરો મેચ કરી શકાય. આ ઉપરાંત મોબાઈલ સાથે આવેલા ઉમેદવારના મોબાઈલ બહાર મુકાવ્યા હતા.