હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં ક્રાઇમબ્રાંચ અને પીસીબી તથા તમામ ઝોનની સ્ક્વોડ હોવા છતાંય દારૂની હેરાફેરી બિન્દાસ્ત ચાલી રહી હોય તેવા એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે. બુટલેગરોનું ક્યાંકને ક્યાંક અમદાવાદ પોલીસ સાથે જ સેટિંગ હોય તેમ લાગી રહ્યં છે. તેવામાં ગાંધીનગર બેસતી સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળે છે અને લાખો રૂપિાનો દારૂ ઝડપાય છે પણ સ્થાનિક પોલીસ જાણે કે મીઠી નજર રાખી રહી હોય તેમ બુટલેગરો બેફામ બની બિન્દાસ્ત પોલીસ સાથે મિત્રતા કરી દારૂના ધંધા કરી રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલ એ તાજેતરમાં સરદારનગરમાંથી દારૂની ફેક્ટરી ઝડપી પાડી હતી જેમાં હજુ સ્થાનિક પોલીસ પર કોઇ એક્શન લેવાયા નથી. ત્યામં હવે હોમ ડિલિવરી કરવા નીકળેલા એક બુટલેગરને એસ.એમ.સીએ ઝડપી પાડ્યો છે. આરોપી પોશ વિસ્તારમાં મોંઘી અને હાઇફાઇ બ્રાન્ડનો દારૂ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. તો બીજીતરફ ઇસનપુર પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગર મસમોટો દારૂનો જથ્થો લઇને નીકળતા એસ.એમ.સીએ તેને ઝડપી પાડ્યો હતો.
સ્સેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયા અને પીઆઇ આર જી ખાંટને બાતમી મળી હતી કે, ઇસનપુર પોલીસસ્ટેશનની હદમાં આવેલા નરોડા નારોલ સર્વિસ રોડ પરથી એક ટેમ્પો સાયકલ અને ફર્નિચરનો માલ સામાન ભરેલો નીકળવાનો છે. તેમાં આરોપીએ ખાનું બનાવી હાઇફાઇ બ્રાન્ડનો દારૂ ભરેલો છે. જેથી એસ.એમ.સીની ટીમ આ વિસ્તારમાં પહોંચી ગઇ હતી. ઇસનપુર પીઆઇ સહિતનો સ્ટાફ તો ઉંઘતો હતો પણ એસ.એમ.સીની ટીમે આરોપી વિનોદ નાઇને ઝડપી પાડ્યો હતો.
આરોપીએ પોલીસની નજર ન પડે તે માટે ટેમ્પામાં પહેલા માલસામાન અને સાયકલ લોડ કરી હતી. અને ટેમ્પામાં ખાનું બનાવી 300 બોટલથી વધુનો દારૂ ભરેલો હતો. પોલીસે રેડ કરી 3.35 લાખની 305 બોટલ દારૂ અને વાહન મળી કુલ 6.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે કેસમાં સાણંદના બાબુલાલ નામનો આરોપી વોન્ટેડ હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉંગણસી અને ગેરહાજર રહેતા અધિકારીની ખુલ્લી નજર હેઠળ ઇસનપુરમાંથી દેશી દારૂના અડ્ડા પર પણ અન્ય એજન્સીઓએ રેડ કરી હતી. છતાંય આ ઉંચી હાઇટ ધરાવતા અધિકારી પર કોઇ એક્શન લેવાયા નહોતા.
સૂત્રો કહે છે કે, ઇસનપુરના કેટલાક અધિકારીઓ પોલીસસ્ટેશનમાં ગેરહાજર રહે છે અને કોઇ અન્ય ધંધા માટે તેઓ અન્ય જગ્યાઓએ ફરતા રહેતા હોવાની ચર્ચા છે. આ અધિકારીના કોઇ ગુણ ન હોવાથી પહેલા સાઇડ પોસ્ટિંગ પર હતા પણ પોલીસસ્ટેશન મળતા જ તેઓએ તો ચારથી વધુ વહીવટદારો રાખી ઘણા સમય બાદ પોલીસસ્ટેશનમાં નોકરી મળતા દારૂના અડ્ડાની કમાણી ઘરભેગી કરી રહ્યા છે. ત્યારે ઉંચી હાઇટ ધરાવતા અને પોલીસસ્ટેશનમાં પીએસઓ પર નિર્ભર રહેતા આ અધિકારી પર એક્શન લેવાય છે કે તેઓને છાવરવામાં આવે છે તે એક સવાલ છે.
તો બીજીતરફ એસ.એમ.સીની ટીમને એસજી હાઇવે પર હાઇફાઇ લોકોને વિદેશી દારૂની બોટલો એક બુટલેગર સપ્લાય કરવાનો છે તેવી બાતમી મળતા જ પોલીસે ટ્રેપ ગોઠવી એક આરોપીને એસજી હાઇવે પરથી ઝડપી લીધો છે. સેટેલાઇટ પોલીસસટેશનની હદમાંથી એસ.એમ.સીની ટીમે 60 બોટલ સહિત 1.03 લાખના મુદ્દામાલ સાથે પ્રતિક બારોટની ધરપકડ કરી છે. જે કેસમાં વોન્ટેડ અંકિત પરમારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.