

હિતેન્દ્ર બારોટ/હર્મેશ સુખડિયા, અમદાવાદ : ગાંધીનગર ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે રાતે ગાંધીનગર જિલ્લાનાં દશેલા ગામ નજીક આવેલ માધવ ફાર્મ હાઉસમાં દરોડા પાડીને દારૂની મહેફિલ માણતા 9 યુવકો અને 5 યુવતીઓને ઝડપી પાડ્યાં છે. આ તમામના મેડિકલ ટેસ્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યાં. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. LCBએ 6 ગાડીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


મળતી માહિતી પ્રમાણે માધવ ફાર્મમાં એક યુવકની બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી. જેમાં યુવાનો દારૂની મહેફિલ માણતા હતાં.


ગાંધનીગર લોકલ ક્રાઇમ બ્રાંચને આ મામલે બાતમી મળતાં તેમણે મોડી રાતે ત્યાં દરોડા પાડીને યુવતીઓ સહિત 14 યુવનોને ઝડપી પાડ્યાં હતાં. તેમની 6 ગાડીઓને પણ જપ્ત કરવામાં આવી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


ગ્રામ્ય એલસીબી ગાંધીનગરનાં પીએસઆઈ, યોગેન્દ્રસિંહ રાઠોડે આ અંગે જણાવતા કહ્યું કે, 'દશેલા ગામના માધવ ફાર્મમાં કેટલાંક લોકો દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં 14 યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલાઓમાં ફાર્મ હાઉસના માલિકનો દીકરા કુશલ પટેલ પણ હતો. તેમની પાસેથી બે મર્સિડીઝ, બે ક્રેટા, એક ઇનોવા અને એક વર્ના કાર જપ્ત કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે. તેઓ મિત્રના જન્મ દિવસની પાર્ટી મનાવવા ભેગા થયા હતા. તેમની પાસેથી 3 દારૂની બોટલ મળી છે. હાલ તેમની પાસે દારૂ ક્યાંથી આવ્યો અને કોણે આપ્યો હતો તેની તપાસ થઇ રહી છે.'