

ન્યૂઝ18 ગુજરાતી : સસ્પેન્ડ આઇએએસ ગૌરવ દહિયા પ્રકરણ વધુ વિવાદાસ્પદ બની રહ્યો છે. દિલ્હીની પિડીતાએ તેની પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવા માંગણી કરી છે ત્યારે બીજી તરફ ગૌરવ દહિયાએ પીડિતા પર આક્ષેપ કરતા કહ્યું છે કે તે મારી પાસે 20 કરોડ રૂપિયા માંગે છે. આ બાળક મારું છે જ નહીં. મે આ મહિલા સાથે લગ્ન નથી કર્યા. આ સાથે તેણે કહ્યું કે, હું પોલીસ તપાસમાં પુરતો સહયોગ આપીશ. પીડિતાએ ડીએનએની અરજી સાથે ગૌરવ દહિયા સાથેના કેટલાક ફોટોગ્રાફસ અને દીકરીના જન્મ સમયે હોસ્પિટલમાં કરેલી સહી પુરાવા રૂપે રજૂ કરી છે.


ગૌરવ દહિયાએ પિડીતાએ કરેલા આક્ષેપ સામે પોતાનો બચાવ રજૂ કરતા કહ્યું હતું કે, મહિલાએ પણ મને મેસેજ કર્યા હતાં તેના પુરાવા છે. બાળકના આક્ષેપ ખોટા છે. મારી પાસે તેણે રૂપિયા 20 કરોડની માંગણી કરી હતી. આ અંગેનાં પણ મારી પાસે પુરાવા છે. મહિલાએ વારંવાર મને બ્લેકમેઇલ કરીને નાણાંની માંગણી કરી હતી.એટલુ જ નહીં, આત્મહત્યા કરવાની પણ ધમકી આપી હતી. આ આક્ષેપને કારણે જ લગ્ન થઇ શક્યા નથી.


દિલ્હીની મહિલાએ ગાંધીનગરમાં ડીજીપી શિવાનંદ ઝા અને મહિલા આયોગના ચેરપર્સન લીલા અંકોલિયાની મુલાકાત લીધી હતી. સમગ્ર હકીકત જણાવી હતી. તેણે એવી પણ રજૂઆત કરી હતી કે તેણે પત્નીને છૂટાછેડા આપ્યા વગર મારી સાથે સંબંધ રાખી લગ્નની લાલચ આપી દગો કર્યો છે.