વિભુ પટેલ, અમદાવાદ: શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં તમામ લોકોને ચોમાસું કેવું રહેશે તે જાણવાની ઉત્સુકતા હોય છે. ખેડૂતો પણ ચોમાસું કેવું રહેશે, તેની આગાહીની રાહ જોતા હોય છે. હવામાન વિભાગ પવનની દિશા, ભેજનું પ્રમાણ , તાપમાન, સહિતના પરિબળોનો અભ્યાસ કરીને ચોમાસું કેવું રહેશે, તેનું અનુમાન જાહેર કરતાં હોય છે. અમુક લોકો નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિ પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કાઢે છે. ટેક્નોલોજી ન હોતી ત્યારે ગામડામાં લોકો હોળીની જાર અને પવનની દિશા તેમજ ગાડલી, ચોમાસાનો ગર્ભ જોઈને અનુમાન લગાવતાં હતા વર્ષમાં કેટલા આની થશે. આની એટલે કે કેટલાક ટકા વરસાદ થશે.
ચંદ્રમા વેપારી ગણાવામાં આવે છે. કૃતિકા નક્ષત્ર આસપાસ 6 તારાનું ઝૂમખું આવેલું છે. ગાડલીના 4 તારાનો ભાગ ગાડાની બેઠક ગણવી. તેમજ ઉપરનો ભાગ ધોસરો ગણવો. તારા અને ગાડા વચ્ચેના ભાગને ઉધ ગણવી. જે સાલમાં ગાડલીથી ચંદ્રમાં આગળ હોય તો વર્ષ સારું થાય અને વેપારીઓને લાભ થાય છે. જ્યારે ધોસરેથી ઉધ ઉપર ચંદ્રમાં હોય તો વેપારીઓને લાભ થાય છે અને વર્ષ સરભર થાય છે. ગાડા વચ્ચે ચંદ્રમાં હોય તો દુકાળ ગણવવામાં આવે છે.