પ્રણવ પટેલ, અમદાવાદઃ મહાત્મા ગાંધીજીની (Mahatma Gandhi) કર્મભૂમી સાબરમતી ગાંધી આશ્રમથી (sabarmati Gandhi Ashram) ભારતના સ્વાતંત્રની 75મી વર્ષગાંઠ નિમિત્તે આયોજીત “આઝાદી ગૌરવ યાત્રા”ને બાપુના પ્રિય ‘વૈષ્ણવજન’ સહિતના ભજન, પ્રાંતઃ પ્રાર્થના સભા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat pradesh congress) સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી તિરંગા ધ્વજ ફરકાવી યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, અન્યાય અને દમનકારી અંગ્રેજ સલ્તનતને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ 12મી માર્ચના રોજ “દાંડી યાત્રા” શરૂ કરી મીઠા પરના અસહ્ય કર નાબુદી કરવાની હાંકલ સાથે અંગ્રેજ સલ્તનતને લુણો લગાડ્યો હતો. ત્યારે મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ – ડીઝલના અસહ્ય ભાવ વધારામાં પીસાઈ રહેલી ભારતની જનતાને મુક્તિ અપાવવા અને અંગ્રેજોની જેમ મનસ્વી રીતે વર્તતા ભાજપ સરકારના સત્તાના પાયાને હચમચાવવા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઈ સાબરમતીથી દિલ્હી સુધી 1200 કિ.મી. લાંબી “આઝાદી ગૌરવ યાત્રા”ની શરૂઆત થઈ હતી.
આઝાદીના સ્વતંત્ર સંગ્રામમાં દેશના કેટલાય મહાનુભાવો, આગેવાનો, યુવાનો, મહિલાઓએ પોતાના જીવની આહુતિ આપી છે. દેશને આઝાદી અપાવવા માટે ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેવા યુવાનોએ હસતા હસતા ફાંસીના માચડે ચડ્યા હતા. અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સમગ્ર ભારતે “હિંદ છોડો” અને “પૂર્ણસ્વરાજ” ની ચળવળે ભારત દેશને આઝાદી અપાવી. આઝાદી બાદ અંગ્રેજોને શરમાવે તેવી ખેડૂત, મહિલા અને યુવા વિરોધી નીતિઓ, નાતજાત અને વિશેષ કરીને ધર્મના નામે ભારતીઓને ઝઘડાવવાની નીતિ રીતિને ખુલ્લી પાડવા, મજબુતાઈથી વિરોધ કરવા કોંગ્રેસ પક્ષ કટીબધ્ધ છે.
ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર “આઝાદી ગૌરવ યાત્રા” ને પ્રસ્થાન કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેના વિરાસતના પાયામાં સેક્યુલરિઝમ અર્થાત્ બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતાનું જતન કરીને રાષ્ટ્રીય સદભાવના અને કોમી એખલાસ સામેના ખતરાનો સામનો કરવા પ્રતિબદ્ધ છે.
આપણે જે સ્વતંત્રતા માણી રહ્યાં છીએ તે આપણને અપાવવા માટે અસંખ્ય ભારતીયોએ પોતાના જાનની કુરબાની આપી છે. ભારત નિર્માણ માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ., એમ્સ, ઈસરો સહિતની સંસ્થાઓનું નિર્માણ થયું તેમજ ભારતીય નાગરિકોને હક્ક - અધિકાર મળે તે માટે રાઈટ ટુ ઈન્ફોર્મેશન, મનરેગા, અન્ન સુરક્ષા કાયદો, શિક્ષણનો કાયદો (આર.ટી.ઈ.), જંગલની જમીનનો કાયદો વગેરે જેવા કાયદાઓ બનાવવામાં આવ્યાં. જેના દ્વારા સશક્ત ભારત નિર્માણને આગળ ધપાવ્યું.
સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી યાત્રા ગુજરાતના 5 જીલ્લાઓમાં 10 દિવસનો પ્રવાસ કરશે. સમગ્ર 1200 કિ.મી. યાત્રા 58 દિવસ પૂર્ણ કરી 1 લી જુન 2022ના રોજ દિલ્હી ખાતે સમાપન થશે ગુજરાતના 5 જીલ્લામાં “આઝાદી ગૌરવ યાત્રા” દરમિયાન આઝાદીમાં કોંગ્રેસપક્ષની ભૂમિકાને ટેબ્લોઈડ દ્વારા પ્રસ્તુત કરાશે. આઝાદી બાદ 60 વર્ષમાં કોંગ્રેસપક્ષના યોગદાનની ઝલક પણ જોવા મળશે. યાત્રાની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારો પરંપરાગત પરફોર્મન્સમાં ભાગ લેશે.