દીપિકા ખુમાણ, અમદાવાદ: સાબરમતી નદીનાં બે ભાગમાં વહેંચાયેલાં અમદાવાદમાં સાઇકલ સવારો માટે સાઇકલ ટ્રેક (Cyble Track) બનાવવામાં આવ્યો છે. તમને માનવામાં નહીં આવે પરંતુ દરરોજ આશરે 50 થી 60 હજાર લોકો સાઇકલ ચલાવવા માટે જાગૃત્ત બન્યા છે. લૉકડાઉન (Lockdown) બાદ લોકો સાઇકલ લઈને નિયત સ્થળ પર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જોકે, અમદાવાદમાં સાઇકલ ટ્રેક હોવા છતાં કોઈ પણ તેનો ઉપયોગ કરતા નથી. આ તમામ વિસ્તારોની તપાસ ન્યૂઝ 18 ગુજરાતીએ કરી હતી.
સૌ પહેલા શ્યામલથી પ્રહલાદનગર જવાના રસ્તે તપાસ કરી તો ખબર પડી કે પ્રહલાદનગરથી આનંદનગર તરફ જવાના રસ્તા પર સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ સાઇકલ ટ્રેક એવો છે કે કોઈપણ વ્યક્તિને જોઈને વિચારતો થઈ જાય. જોકે, તેના માઈનસ પોઈન્ટ તેની ડિઝાઈન છે. કોઈ પણ ટુ વ્હીલર સાઇકલ ટ્રેકમાં આવે નહીં તે માટે અહીં બોલાર્જ લગાવવામાં આવ્યા છે પરંતુ આ બોલાર્જ સાઇકલ સવાર માટે જ માથાનો દુઃખાવો છે. વચ્ચે અચાનક થોડાં થોડાં અંતરે મૂકેલા બોલાર્જને કારણે સાઇકલની સ્પીડ ઘટી જાય છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સાબરમતી પાવર હાઉસથી લઈને ચાંદખેડા સુધી સાઇકલ ટ્રેક જોવા મળે છે, પરંતુ અહીં હાલત એ હતી કે ક્યાંક પાર્કિગ કરેલું હતું તો કેટલાંક લોકો અહીં રિક્ષા રિપેરિંગ કરતાં હતા. પરિણામે સાઇકલ સવારે રોડ પરથી પસાર થવું પડે છે. સાબરમતી પાવર હાઉસ પાસે મેટ્રોનું કામકાજ ચાલતું હોવાથી કોઈને ખ્યાલ જ નથી કે આ સ્ટેન્ડ પર કોઈ સાઇકલ ટ્રેક પણ છે.
સાઇકલ ટ્રેકની ડિઝાઈન કેવી હોવી જોઈએ? : અમદાવાદમાં લૉકડાઉન બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા શરુ કરવામાં આવેલી MYBYK સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માય બાઈકના ફાઉન્ડર અર્જિત સોનીના કહેવા પ્રમાણે અમદાવાદમાં સાઇકલ ટ્રેક એવો હોવો જોઈએ જેનાં પર વાતાવરણની અસર જોવા ન મળે. વરસાદમાં પાણી ભરાય તો રોડનાં કોર્નર પર ભરાતું હોય છે તેથી કોર્નર પર ટ્રેક બનાવાય તેનાં કરતાં બીઆરીટીએસ બાદ ટ્રેક બનાવવો જોઈએ. આ બાદ અમદાવાદમાં જે સાઇકલ ટ્રેકની ડિઝાઈન છે તેને પણ બદલાવાની જરુર છે.
આ અંગે વિસત જંક્શન પાસે રિક્ષા લઈને ઊભા રહેતાં મહેશભાઈનું કહેવું છે કે, વર્ષોથી તેઓ અહીં ઊભા રહે છે. તેમને ખબર જ નથી કે આ સાઇકલ ટ્રેક છે. તમામ લોકો અહીં વાહનો પાર્ક કરે છે. આ અંગે સેપ્ટ યુનિવર્સિટીનાં અર્બન ટ્રાન્સપોર્ટનાં વિઝિટીંગ ફેકલ્ટી અભિજીત લોકરેના કહેવા પ્રમાણે સાઇકલ ટ્રેકની ડિઝાઈનમાં થોડા બદલાવ લોકોને સાઇકલ ચલાવવા તરફ પ્રેરણા આપી શકે છે. આ સજેશનમાં બીઆરટીએસ રુટને અડીને સાઇકલ રુટ બનાવવામાં આવે તો તે ફાયદાકારક થઈ શકે છે.
શા માટે અમદાવાદમાં સવારે 8 વાગ્યા પછી નથી જોવા મળતી સાઇકલ?: શિયાળાની સવારમાં સવારનાં 5 વાગ્યે તમે રોડ પર નીકળશો તો તમને અમદાવાદમાં મોટી સંખ્યામાં સાઇકલ સવારો જોવા મળશે. પરંતુ જેમ જેમ સવારનાં 8 વાગ્યાનો સમય થશે તો અચાનક સાઇકલ સવારો ગાયબ થઈ જશે! રાતના સમયે પણ કર્ફ્યૂ પહેલાં અમદાવાદના સાઇકલ સવારો10 વાગ્યા પહેલાં નહોતા જોવા મળતા. આખરે આવું શા માટે હોઈ શકે? શા માટે ચોક્કસ સમયમાં સાઇકલ સવારોને અમદાવાદ સાઇકલ ચલાવવા માટે પસંદ નથી પડતું? આ વિષય સાથે ન્યૂઝ18 ગુજરાતીએ ઈન્વેસ્ટિગેટીવ રિપોર્ટ બનાવ્યો અને જાણવા મળ્યું કે અમદાવાદમાં સાઇકલ પ્રેમીઓ નારાજ છે. તેમને 8 વાગ્યા બાદ ટ્રાફિક હોવા છતાં સાઇકલ ચલાવવી છે. આ માટે અમદાવાદીઓને સાઇકલ ટ્રેકની જરુર છે.
જોકે, એવું નથી કે અમદાવાદમાં સાઇકલ ટ્રેક નથી પરંતુ સાઇકલ સવાર ચલાવી શકે તેવાં સાઇકલ ટ્રેક નથી. આ વિશે અમદાવાદમાં શિવરંજની વિસ્તારમાં રહેતાં સાઇકલ સવાર રવિ જાડાવાલાનું કહેવું છે કે તે છેલ્લાં 3 મહિનાથી સાઇકલ ચલાવે છે. રોજ 8થી 9 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરે છે. તે જ્યારે ઘરે પરત ફરતો હોય છે ત્યારે રસ્તાના ટ્રાફિકને કારણે તેને વિચાર આવે છે સાઇકલ સવારો માટે સાઇકલ ટ્રેક હોવો જોઈએ. સાઇકલ ટ્રેકની ડિઝાઈન પણ એવી હોવી જોઈએ જેને કારણે સાઇકલ માત્ર શોખ ખાતર નહીં પરંતુ લોકો પોતાની ઓફિસ અને ઘરનાં કામ માટે પણ ઉપયોગ કરી શકે.