હર્મેશ સુખડિયા, અમદાવાદ: આમ આદમી પાર્ટીનો એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ હતો. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને દિલ્હીના એમ.એલ.એ સહિતના લોકો હાજર રહ્યા હતા. જોકે આ કાર્યક્રમની મંજૂરી આપતી વખતે 70થી 75 લોકોને જ હાજર રાખવાની શરતે મંજૂરી અપાઈ હતી. તેમ છતાં આ કાર્યક્રમમાં 300 જેટલા લોકો ભેગા થઈ ગયા અને ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી ભાષણ કર્યા હતા. "ભાજપ હમસે ડરતી હે, પુલીસ કો આગે કરતી હે" આવા નારા લગાવી ગોપાલ ઇટાલિયા પોલીસ વાન પર ચઢી જતા આખરે પોલીસે કાર્યવાહી કરી હતી.
ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ આર.સી.ધૂમમડએ આ ફરિયાદમાં ફરિયાદી બન્યા છે. ફરિયાદ પ્રમાણે હકીકત એવી છે કે, આમ આદમી પાર્ટીના અમજદખાન પઠાણની અરજી આધારે બપોરે 1.30થી 3.30 વાગ્યા સુધી ભૂમિ પાર્ટી પ્લોટમાં 70થી 75 લોકોની હાજરીમાં કાર્યક્રમની મંજૂરી અપાઈ હતી. ત્યારે બપોરે આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ આવી પહોંચ્યા અને સાથે સાથે દિલ્હીના એમ.એલ.એ આતિશીજી પણ આવી પહોંચ્યા હતા.
ત્યારે વધુ પ્રમાણમાં કાર્યકર્તાઓ ભેગા થઈ જતા પોલીસે ગોપાલ ઇટાલિયાને નિયમોનું પાલન કરી જેટલી સંખ્યાની મંજૂરી અપાઈ છે તેનાથી વધુ લોકોને રવાના કરવા સૂચના અપાઈ હતી. ત્યારે જોતજોતામાં આ સ્થળ પર 300 જેટલા લોકો ભેગા થઈ ગયા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર આયોજકોએ પોલીસ અને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો શરૂ કર્યા હતા. ત્યારે પોલીસ સાથે ધક્કા મુકી કરી લોકો અંદર પ્રવેશ્યા અને બાદમાં નારા પણ લગાવ્યા હતા.