અમદાવાદ: રાજ્યમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. આજે સતત બીજા દિવસે રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. બીજી બાજુ, કચ્છમાં વીજળી પડતા યુવતીનું મોત નિપજ્યું છે. લખપતના લાખાપરના વાડી વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદ ઉપરાંત દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અંબાજીમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ગાજવીજ સાથે વરસાદ આગમનનું થયું છે. દાહોદ, ઝાલોદ, લીમડી, ગરબાડામાં વરસાદ પડી રહ્યો છે. મહેસાણાના વડનગરમાં પણ વરસાદ જામ્યો છે. અહી બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડી વારના વરસાદમાં શહેર થયુ પાણી-પાણી થઇ ગયું છે.
નોંધનીય છે કે, ભારે બફારા અને ઉકળાટ બાદ ગઇકાલે શનિવારથી જ રાજ્યમાં મેધમહેરને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના લીધે લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી બાજુ, ધોધમાર વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાથે જ વાહન વ્યવહારને પણ મુશ્કેલી પડી રહી છે.
રાજ્યમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગામી દિવોસમાં પણ વરસાદ રમઝટ બોલાવશે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર- મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે રાજકોટ અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, આણંદ, ભરૂચ, નર્મદા,જામનગર, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ અમરેલી, ગીર-સોમનાથમાં આગાહી છે.