દીપિકા ખુમાણ, અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીની એર ઇન્ડિયા (Air India)ની ફલાઇટ લેન્ડ થતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 'ભારત માતા કી જય'ના નારા સાથે ગુજી ઉઠ્યું હતું. આ નરા બીજા કોઈ માટે નહિ પરંતુ ગુજરાતની બે દીકરીઓ માટે લગાવવામાં આવ્યા હતા. કોમન વેલ્થ ગેમ્સ માં ગુજરાતની ભાવિના પટેલે (Bhavina Patel) પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ, જ્યારે સોનલ પટેલે (Sonal Patel) બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સોનલ પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
એરપોર્ટ પર પરિવાર, મિત્રો અને કોચ તથા ગુજરાત પેરા એસોસિએશનના તમામ લોકોએ બંનેનું ફૂલહાર અને 'જય હો' નારા સાથે સ્વાગત કર્યું હતું. આ અંગે ભાવિના પટેલેની માતા નિરંજના પટેલે જણાવ્યું કે અમારા માટે આ ઉત્સવ જેવો દિવસ છે. આજે અમને ગર્વ છે ભાવિના અમારી દીકરી છે. જેને પોતાની ખામી ને ખૂબી બનાવી છે. આ અંગે ભાવિના પટેલના પિતા હસમુખ પટેલે પણ ભાવિનાની જીત માટે ખુશી વ્યક્ત કરી હતી.
ટોક્યોમાં ભારતની જીત બાદ કેટલો બદલાવ જોવા મળ્યો?: આ સવાલના જવાબમાં ભાવિના પટેલે જણાવ્યું કે, ટોક્યોમાં જીત બાદ સ્વમાનભેર દરેક પેરા ખેલાડીને સન્માન મળતું થયું છે. સૌથી મહત્વની વાત કે ગુજરાત સરકારને મેં જે જે બદલાવ જણાવ્યા કે તે તે બદલાવ સાથે પોઝિટિવ માહોલ ઊભો થયો છે. ગુજરાત સરકારને સજેશન આપ્યા બાદ ખરેખર એ વાતો પર કામ થયું છે અને અમારી હિંમત વધી છે.
નતાશા શર્માને ભાવિનાનો વળતો જવાબ: "મારા ગળામાં મેડલ છે અને હું ગુજરાતી છું. આ એ લોકો માટે કહું છું જેમને ગુજરાતનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે ગુજરાતને કોઈ મેડલ નથી મળ્યો. આજે ગુજરાત અને ગુજરાતીઓ નામ દેશ વિદેશમાં ગુંજી રહ્યું છે. ગુજરાતનું નામ આપીને મેડલની વાત કરવાવાળા માટે મારા ગળાનો મેડલ કાફી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે કૉંગ્રેસના મહિલા નેતા નતાશા શર્માએ વિવાદિત ટ્વીટ કર્યું હતું. "ગુજરાત સે ભી ગોલ્ડ મેડલ લાયા હૈ ખેલો મેં...યા ફિર બેંક લુંટકર ભાગને મેં હી ગોલ્ડ મેડલીસ્ટ હે," કૉંગ્રેસના મહિલા નેતાના વિવાદિત ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું હતું. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો કર્યો હતો.
ભારતે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જીત્યા 203 ગોલ્ડ: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મહિલા બેડમિન્ટનની સિંગલ્સ ફાઇનલમાં પીવી સિંધુએ (PV Sindhu)ગોલ્ડ મેડલ જીતી ભારતને ગેમ્સના ઇતિહાસનો 200મો મેડલ અપાવ્યો હતો. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 22 ગોલ્ડ જીત્યા છે આ સાથે જ કોમનવેલ્થના ઇતિહાસમાં (commonwealth games history)ભારતના કુલ ગોલ્ડની (india gold medals)સંખ્યા 203 થઇ ગઇ છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ જીતનાર ખેલાડી: 1. અચિંતા શેઉલી (વેઇટલિફ્ટિંગ) 2. જેરેમી લાલારિનુંગા (વેઇટલિફ્ટિંગ) 3. મીરાબાઇ ચાનૂ (વેઇટલિફ્ટિંગ) 4. રુપા રાની ટિર્કી, લવલી ચૌબે, નયનમોની સૈકિયા, પિંકી સિંહ (લોન બોલ્સ) 5. બજરંગ પૂનિયા (કુશ્તી) 6. સાક્ષી મલિક (કુશ્તી) 7. દીપક પૂનિયા (કુશ્તી) 8. રવિ કુમાર દહિયા (કુશ્તી) 9. વિનેશ ફોગાટ (કુશ્તી) 10. નવીન મલિક (કુશ્તી) 11. નિકહત ઝરીન (બોક્સિંગ) 12. અમિત પંઘાલ (બોક્સિંગ) 13. નીતુ ગંઘાસ (બોક્સિંગ) 14. સુધીર (પૈરા પાવર લિફ્ટિંગ) 15. પીવી સિંધૂ (બેડમિન્ટન) 16. લક્ષ્ય સેન (બેડમિન્ટન) 17. ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી (બેડમિન્ટન) 18. અચંતા શરત કમલ (ટેબલ ટેનિસ) 19. શરત કમલ, શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ) 20. હરમીત દેસાઇ, સાનિયા શેટ્ટી, શરત કમલ, જી સાથિયાન (ટેબલ ટેનિસ) 21. ભાવિના પટેલ (પૈરા ટેબલ ટેનિસ) 22. એલ્ડોસ પોલ (ટ્રિપલ જમ્પ)