પ્રણવ પટેલ, અમદાવાદ : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસ (Congress)દ્વારા રાજ્યવ્યાપી જન ચેતના અભિયાન (Congress Jan Chetna rally)અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજ્યા હતા. આજે અમદાવાદ ખાતે જન ચેતના રેલીનુ આયોજન કરાયું હતું. પાલડી કાર્યાલયથી રૂપાલી સિનેમા એટલે કે સરદાર બાગ રેલી પૂર્ણ થઇ હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રેલીમા બળદ ગાડાંને પરવાનગી ન અપાતા પોલીસ દ્વારા બળદ ગાડા અને ઉંટ લારીઓ ડિટેન કરવામાં આવી હતી.
સંસદથી લઇ સડક સુધી કોંગ્રેસ હવે જના દેશ મેળવા માટે જન ચેતના કાર્યક્રમના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન અને ધરણા દેખાવ કાર્યક્રમ યોજી રહી છે. ત્યારે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે રેલી પહેલા જાહેર સભા યોજાઇ હતી. ત્યારે રેલી સ્વરૂપે કોંગ્રેસના નેતાઓએ સાઇકલ યાત્રા કાઢી પાલડીથી સરદાર બાગ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો
કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી મુદ્દે ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સંબોધન કરતા કહ્યું હતુ કે આજનું આ આંદોલન જનતાનું આંદોલન છે. આખા ગુજરાતની બહેનોએ હરખ પદુડી થઈ ભાજપને મત આપ્યા. ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમા પર પહોંચી છે. બહુત હુઈ મહેંઘાઈ કી માર અબ હટાવો ભાજપ સરકારનો નારો આપવામા આવ્યો હતો. જનતા મોંઘવારીથી ત્રસ્ત અને ભાજપ મસ્ત હોવાના ચાબખા સાથે માનસી કાંડથી અત્યાર સુધી ભાજપ જાસૂસીમાં મસ્ત રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. પરેશ ધાનાણી જન ચેતના રેલીમાં ઓટો રીક્ષા ચલાવતા નજરે પડ્યા હતા .
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રસ જનતા હિત માટે આક્રામક કાર્યક્રમ આપશે. આગામી સમયમાં વિધાનસભામાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવશે. આ ઉપરાત જન ચેતના બાદ જન આક્રોશ રેલી ગુજરાતમા કાઢીશું. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં જન ચેતના કાર્યક્રમના માધ્યમથી કાર્યકર્તા નવી ઉર્જા ભરવા કાર્યક્રમ યોજાયા હતા. અમદાવાદ ખાતે રાજ્યવ્યાપી કાર્યક્રમ કરી કોગ્રેસે મોંઘવારી મુદ્દે આક્રમક બનવાનો પ્રયાસ કર્યો છે.