ઋત્વીજ સોની, અમદાવાદ: શહેરના વિરાટનગરના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન પટેલ (Ex Councillor Geetaben Patel)ના પતિએ ગેરકાયદે બાંધકામ માટે રૂપિયા 20 હજારની માંગણી કરતી ઓડિયો ક્લિપ (Audio clip) વાયરલ થતાં ગીતાબેને રાકેશ પટેલ (Rakesh Patel) નામના વ્યક્તિને ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પૂર્વ કોર્પોરેટર ગીતાબેને ફરિયાદીને ફોન કરીને ધમકી આપી હતી તેમજ બીભત્સ ગાળો આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે. ગીતાબેન પટેલ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા. 2015ના વર્ષમાં તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. હાલ તેઓ આપ સાથે જોડાયેલા હોવાની માહિતી મળી છે.
રાકેશ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના સંબંધી સુરેશભાઈનું સીતારામ એસ્ટેટ ઓઢવ ખાતે શેડ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન વિરાટનગર વૉર્ડના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન પટેલના પતિ કિર્તીભાઈ પટેલે ગેરકાયદેસર બાંધકામના ફોટા પાડી ઓનલાઇન મૂકી દેવાની અને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની જાણ ફરિયાદીના મિત્રએ ફરિયાદીને કરી હતી. ફરિયાદી કિર્તીભાઇને ઓળખતા હોવાથી તેમને ફોન કરી સુરેશભાઈને શેડનું બાંધકામ કરવા દેવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે જાણ કરી હતી. જેથી કિર્તીભાઇએ કહ્યું હતું કે, સુરેશભાઈએ શેડનું બાંધકામ કરવા માટે રૂપિયા 20 હજાર આપવા પડશે. જે અંગેનું રેકોર્ડિંગ ફરિયાદીએ કર્યું હતું.
ગઈકાલે સવારે ફરિયાદીના ફોન પર ગીતાબેન પટેલે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, "શું તમે ઓડિયો વાયરલ કરો છો. એક પટેલ થઈને પટેલનું ખરાબ કરો છો. આ બધું કરવાની ક્યાં જરૂર છે. તું પટેલના નામે કલંક છે." આવું કહીને ગીતાબેને ફરિયાદીને બીભત્સ ગાળો આપીને ધમકી આપી હતી. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.