સંજય ટાંક, અમદાવાદ: હાલમાં કોરોનાના કેસ (coronavirus case) ભલે ઓછા થઈ ગયા હોય પરંતુ કોરોના પછીની અસરો (corona effect) હવે ધીરેધીરે સામે આવી રહી છે અને તે પણ ખાસ કરીને બાળકોના અભ્યાસના મામલે. અમદાવાદની નેસ્ટ સ્કૂલ દ્વારા એક સાથે 1 હજારથી વધુ બાળકોનું હેલ્થ ચેકઅપ કરતા કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં કોરોનાના (covid-19) કારણે બાળકોની અભ્યાસમાં રુચિ બિલકુલ ઓછી થઈ ગઈ છે જેને લઈ અભ્યાસ મામલે 70 ટકા બાળકોએ સ્ટેબિલિટી ગુમાવી (children lost stability) છે. આ ઉપરાંત આંખોને લગતા, યાદશકિતને લગતા કે મેદસ્વિતાના પ્રશ્નનો પણ સામે આવ્યા છે.
આમ તો કોરોનાનાં કારણે સૌથી વધુ અસર બાળકોના શિક્ષણ પર પડી છે. બાળકોના અભ્યાસ મામલે અમદાવાદની નેસ્ટ પબ્લિક સ્કૂલ અને પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા વિધાર્થીઓ અને વાલીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે 1 હજારથી વધુ બાળકોનો હેલ્થ ચેકઅપ અને વાલીઓના કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. સ્કૂલના ટ્રસ્ટી ચિરાગભાઈ શાહે જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ શરૂ થતાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપવાની ફરજ પડી હતી.
ઓનલાઇન અભ્યાસમાં સતત રચ્યાપચ્યા રહેવાના કારણે 100 છોકરાઓમાં 15થી 20 બાળકો એટલે કે 15થી 20 ટકા બાળકોમાં આંખોની દ્રષ્ટિને લગતા પ્રશ્નો સામે આવ્યા છે. આ ઉપરાંત મોબાઈલના કારણે 70 ટકા બાળકોએ અભ્યાસ મામલે સ્થિરતા ગુમાવી છે. શાળાઓમાં અભ્યાસ માટે નહીં જવાના કારણે અને વ્યાયામ કસરતો આઉટડોર ગેમ બંધ થઈ જવાના કારણે 35થી 40 ટકા બાળકોમાં ઓબેસિટીના પ્રશ્નનો પણ જોવા મળ્યા છે.
આ ઉપરાંત બાળકોના માતાપિતાને પણ શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને એક્સપર્ટ દ્વારા આવા માતાપિતાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું જેથી બાળકો ની મોબાઈલથી કેવી રીતે દૂર થાય અને અભ્યાસમાં રસ પડે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું. પૂજન હોસ્પિટલના ડો. પરાગ ઠાકરે જણાવ્યું કે બાળકોની અને વાલીઓની તકલીફો દૂર કરવા સ્કૂલ દ્વારા આ નવતર અભિગમ અપનાવવા આવ્યો છે.
માતાપિતાને એ પણ સમજાવવામાં આવ્યું કે વેકેશન હોય કે રજાના દિવસોમાં આબુ કે મહાબળેશ્વર જેવા હિલસ્ટેશન પર જવા કરતા દાંડીકુટીર, ગાંધીઆશ્રમ જેવા હિસ્ટોરીકલ પ્લેસીસની મુલાકાત લેવી જોઈએ જેથી કરીને બાળકોના જ્ઞાન માં વધારો થાય. મહત્વનુ છે કે કોરોનાકાળમાં શાળાઓમાં ઓફલાઇન એજ્યુકેશન બંધ થતાં ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ ખુલ્યો. પણ ઓનલાઇન અભ્યાસ ના કારણે વિધાર્થીઓમાં મોબાઈલની કેટલીક આડઅસરો સામે આવી છે જેને દૂર કરવી પણ એટલી જ જરૂરી છે.