ઓરેન્જ કાઉન્ટીના ગાયત્રી ચેતના મંડળના હોલ ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી, ગાયત્રી ચેતના મંડળ તથા અન્ય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક વિજયની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પી. કે. નાયક, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ અમેરિકાના ચેરમેન પરિમલ શાહ, પ્રેસિડન્ટ લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, ગાયત્રી ચેતના મંડળના રાજુભાઈ પટેલ તથા જીતેન પટેલ ઉપરાંત 300 લોકો હાજર રહ્યા હતા. તેમણે કેક કાપી ભાજપના વિજયના વધામણા કર્યા હતા.
આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલે જણાવ્યું હતું કે, સતત સાતમીવાર ગુજરાતમાં ભાજપનું શાસન સ્થપાયું છે. જેમાં ભાજપે બેઠકો જીતવાના ભૂતકાળની તમામ સરકારોના વિક્રમો તોડી નવો વિક્રમ સ્થાપ્યો છે. આ વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસના નાખેલા પાયાનો વિજય છે. યોગી પટેલે આગામી દિવસોમાં ગુજરાત વધુને વધુ વિકાસ કરતું રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.