ગાંધીનગર: ગુજરાતમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે ગુજરાતમાં સત્તા મેળવી છે. ત્યારે આજે ભુપેન્દ્ર રજનીભાઇ પટેલ ગુજરાતનાં 18માં મુખ્યમંત્રી બનાવા માટે શપથ લઇ રહ્યા છે. શનિવારે વિધાનમંડળની ભાજપની બેઠકમાં તેમને વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા હતા. આજે સોમવારે તેઓ હોદ્દો અને ગુપ્તતાના શપથ લેશે. તો આજે આપણે તેમની રાજકીય સફર પર એક નજર કરીએ.
ભૂપેન્દ્ર પટેલે ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ કર્યુ છે. તેઓ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. એટલું જ નહીં, તેમના પિતા રજનીભાઈ પટેલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં રહેતા હતા. આ કારણથી જ ભૂપેન્દ્રભાઈને કડવાપોળના લાડીલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ માનવામાં આવતા હતા. આનંદીબેન પટેલે ઘાટલોડિયા બેઠક ખાલી કરી તો તેમણે ભૂપેન્દ્ર પટેલને અહીંથી ટિકિટ અપાવી હતી.