હર્મેશ સુખડીયા, અમદાવાદ: અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્પેશ્યલ 26 ફિલ્મની કહાનીની જેમ ધાડ પાડવા જનાર ટીમના સાત સભ્યોને અસલી પોલીસેની ટીમે ઝડપી પાડી તે કેસમાં નવા ખુલાસા થયા છે. જેમાં મુખ્ય સૂત્રધાર આરોપી કિરીટ અમીન મામલતદાર કચેરીમાં નોકરી કરતો હતો. જોકે તે નોકરી ગુમાવતા જ તે નકલી સરકારી નોકર બન્યો હતો. તે તો નકલી પોલીસ બન્યો સાથે પત્નીને પણ નકલી પોલીસ બનાવી હતી. અને બાદમાં પોતાની ગેંગ બનાવી હતી. આ તમામ ગેંગના સભ્યો નકલી પોલીસના ડ્રેસમાં ત્રણ ટિમ બનાવી ધાડ પાડવા ગયા હતા. એક ટિમ એજન્ટ તરીકે કામ કરી લોકોની ટ્રેપ ગોઠવે અને લીલીઝંડી આપે, બીજી ટિમ નકલી સોનાની કે લૂંટના મુદ્દામાલની ડિલ કરે, અને ત્રીજી ટિમ પોલીસ બની રેડ પાડે તેવું આયોજન આ આ ગેંગનું હતું. જોકે અસલી પોલીસે આ સાત લોકોને પકડી રાજ્યભરના 35 ગુનાના ભેદ ઉકેલ્યા છે.
અમારી પાસે કસ્ટમનું સોનું છે, જે સસ્તા ભાવે મળશે અથવા લૂંટનો માલ છે તે સસ્તામાં આપીશું, તેમ કહીને રૂપિયા લઈ સોનું લેવા માટે આવેલ ગ્રાહકને બનાવટી પોલીસ બની ધમકાવીને તેની પાસે રહેલા રૂપિયા પડાવી લેતી ગેંગ સક્રિય થઈ હોવાની બાતમી રામોલ પોલીસને મળી હતી. બાતમીના આધારે વસ્ત્રાલમાં જઈને સાત લોકોને પોલીસે ઝડપી પાડ્યા. જેમાં કોઈ પીએસઆઇ તો કોઈ હેડ કોન્સ્ટેબલ તો કોઈ ડિલર બનીને આવ્યા હતા. જોકે આ પોલીસને બાતમી મળતા જ સાત લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત લોકોને રામોલ પોલીસે ઝડપી પાડયા હતા. આરોપીઓએ અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સસ્તું સોનું આપવાની લાલચ આપીને સોનાની લેતી-દેતી વખતે નકલી પોલીસ બની રેડ કરી માણસોને લૂંટી ધાડ પાડી હોવાનું રામોલ પીઆઇ કે એસ દવે એ જણાવ્યું છે.
બાતમી આધારે વોચ ગોઠવાઈ ત્યારે એક ગાડી મળી આવી હતી. જેમાં ડ્રાઇવર સીટ પર બેઠેલા ઈસમે પોતે અમરાઈવાડીમાં પીએસઆઈ હોવાની ઓળખ આપતા પોલીસ એ તેની પાસે આઇ કાર્ડ માંગ્યું હતું. જોકે આરોપીએ આઇ કાર્ડ પણ બતાવ્યું હતું. જેમાં પીએસઆઈના કાર્ડમાં બક્કલ નંબર લખેલો હોવાથી આઇ કાર્ડ બનાવટી હોવાનુ જાણવા મળતા પોલીસે તમામ આરોપીઓની ઉલટ પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓનો ભાંડો ફૂટી ગયો. આરોપી કિરીટ અમીન મુખ્ય સૂત્રધાર છે અને ભાવના અમીન નામની મહિલા આરોપી જે હેડ કોન્સ્ટેબલ બની હતી તે તેની પત્ની હોવાનું સામે આવ્યું. જ્યારે જાવેદ હુસેન, જગમોહન શાસ્ત્રી, અને વસીમ અલી સૈયદ આ ત્રણેય આરોપીઓ સસ્તું સોનું આપવાની લાલચ આપીને ગ્રાહકને પૈસા લઈને બોલાવતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા લઈ આવે ત્યારે કિરીટ, તેની પત્ની, પંકજ સિંહ રાઠોડ અને અન્ય કેટલાક લોકો બનાવ સ્થળ પર રેડ કરી સોનું ખરીદવા આવેલ વ્યક્તિ ને પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લૂંટી લેતા હતા.
ઝોન 5 ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું કે, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી કિરીટ મામલતદાર કચેરીમાં કોન્ટ્રાકટ પર નોકરી કરતો હતો અને કોમ્પિટિટિવ પરિક્ષા પણ આપી ચુક્યો છે. જોકે સરકારી નોકરી ન મળતા તેના સપના રોળાયા અને નકલી સરકારી નોકર બનીને આ ગેંગ ઓપરેટ કરતો હતો. આ ગેંગ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. એક ટિમ એજન્ટ તરીકે કામ કરી લોકોની ટ્રેપ ગોઠવે અને લીલીઝંડી આપે, બીજી ટિમ નકલી સોનાની કે લૂંટના મુદ્દામાલની ડિલ કરે, અને ત્રીજી ટિમ પોલીસ બની રેડ પાડે. લૂંટનો માલ પણ ત્રણ ભાગમાં એટલે કે 50 ટકા, 30 ટકા અને 20 ટકા લેખે વહેંચી દેતા હતા. આરોપીઓ પાસે થી પોલીસએ બનાવટી આઇ કાર્ડ, બે એર ગન, ૧૨ નંગ મોબાઈલ ફોન, પોલીસ યુનિફોર્મ માં દંપતી ના પાસપોર્ટ સાઇઝ ના ફોટો અને કેટલીક બનાવટી ચલણી નોટો સહિત કુલ સાતેક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હટકેશ્વરમાં બનાવડાવ્યા નકલી આઈકાર્ડ. - તમામ આરોપીઓએ પોતાના આઈકાર્ડ હાટકેશ્વર ખાતે બનાવડાવ્યા હોવાથી આઈકાર્ડ બનાવનારની પણ ધરપકડ કરાશે. આઈકાર્ડમાં અગાઉ ઝોન 5 ડીસીપી તરીકે રહી ચૂકેલા હિમકરસિંહની સહી પણ હોવાથી પોલીસ માને છે કે, તે સમયે કોઈ પોલીસ વાળાનું આઈકાર્ડ ખોવાઈ જતા તેના પરથી આ ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવડાવ્યા હોઈ શકે છે. જોકે આ ઘટના પરથી પોલીસના આઈકાર્ડનો પણ દુરુપયોગ થતો હોવાથી પોલીસકર્મીઓએ સાવચેત રહેવાની જરૂર લાગે છે. મોટાભાગે અરજીઓ જ પોલીસે લીધી, ભેદ ઉકેલાતા ગુના નોંધશે. આરોપીઓએ ત્રણ વર્ષમાં વડોદરા, સાબરકાંઠા, ખેડા, સુરત, ભરૂચ, રાજકોટ જૂનાગઢ, ડાંગ, વલસાડ અને મહારાષ્ટ્રમાં 35 ગુના આચર્યા છે. જેમાં જગમોહન નામનો આરોપી 2019મા પકડાયો હતો. જોકે આ મોટાભાગના બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધી નથી અને માત્ર અરજી લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગેંગ પકડાતા જ હવે અન્ય પોલીસ ગુના દાખલ કરી ભેદ ઉકેલવાની વાહવાહી પણ મેળવશે તે કહેવું સાર્થક થશે.