ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો વધવાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ જણાવે છે કે, "દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે બરફીલા પવનો આવશે." મહત્વનું છે કે રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો હળવો થયો છે પરંતુ ફરી એકવાર કાતિલ ઠંડીનો અહેસાસ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉત્તરાયણ પર કેવું રહેશે હવામાન?: અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો થવાની સંભાવના વ્યક્ત કરી છે, તેમણે ઉત્તરાયણમાં પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી અનુભવાશે તેમ પણ તેઓ જણાવી રહ્યા છે. આ દરમિયાન વાદળોના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળશે.
અંબાલાલ કહે છે કે, "દેશના પર્વતીય પ્રદેશોથી આવતા સીઘા પવનોના કારણે ઉત્તર અને મધ્યગુજરાતમાં ભારે ઠંડીનો અહેસાસ થશે. મહેસાણા, સિદ્ધપુર, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો કહેર વર્તાશે. કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચી શકે છે. ક્યાંક 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ પહોંચી શકે છે."
મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે: અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનું પ્રમાણ આગામી દિવસોમાં વધવાની આગાહી કરી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી પણ નીચું જઈ શકે છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યાતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ વખતે પડનારી ઠંડી લાંબી ચાલશે તેવી પણ વકી તેમણે વ્યક્ત કરી છે.