અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે આજે ઠંડીમાં આંશિક રાહત અનુભવાઇ છે. જોકે, આગામી બે દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ ફરી ઠંડી વધશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટશે. 19, 20 અને 21 તારીખે ઠંડી ઘટશે અને ઠંડીથી આંશિક રાહત મળશે. જ્યારે 25થી 27 જાન્યુઆરીથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 10થી ઓછું રહી શકે છે.
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, ઠંડી સાથે માવઠાનો પણ માર પડશે. 3 દિવસ બાદ માવઠું થઇ શકે છે. 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આમ, કાપણી સમયે જ રવિ સિઝન પર સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે.