વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન પવનની દિશા પરથી નક્કી થતું હોય છે. જોકે, હવામાન વિભાગ દ્વારા પણ કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા પૂર્વાનુમાન જાહેર કરાતા હોય છે. તેમજ હવામાન નિષ્ણાત દ્વારા પણ અનુમાન લગાવતા હોય છે કે આગામી ઋતુમાં હવામાન કેવું રહેશે? ચાલુ વર્ષે શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડી છે. શિયાળામાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. તેમનું અનુમાન છે કે, શિયાળાની જેમ ઉનાળો પણ આકરો રહેશે. ઉનાળામાં આકરી ગરમી પડશે. આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડશે.
ગુજરાતમાં માર્ચ મહિનાથી ગરમી પડવાનું શરૂ થઈ જાય છે. એપ્રિલ અને મે મહિનામાં આકરી ગરમીનો લોકો અહેસાસ કરતા હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ચાલુ વર્ષે ઉનાળો આકરો રહેશે. 3થી 4 માર્ચથી ગરમીમાં વધારો થતો જશે. મહત્તમ તાપમાન માર્ચ મહિનાની શરૂઆતમાં 36 ડિગ્રી ઉપર પહોંચી જશે. 7 અને 8 તેમજ 12થી 14માં માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માર્ચ મહિનામાં હવામાનમાં પલટો આવશે અને ગરમી વધતી જશે. તેમજ 14 થી 19 માર્ચમાં વાતાવરણમાં પલટો આવશે. અને 20 થી 21 માર્ચમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. અકળામણ થાય તેવી ગરમી પડશે. 25 થી 26 માર્ચ દરમિયાન દરિયાના કિનારે પવન ફૂંકાશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, એપ્રિલ મહિનામાં 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડશે. 20 એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે. વૈશાખ મહિનામાં લૂ ફુંકાશે. તેમજ 9 અને 10 મે મહિનામાં દરિયાકિનારે ધીમે-ધીમે વાવાઝોડા ઉભા થતા જોવા મળશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની વધુ અસર જોવા મળશે. તેમજ સખત ગરમી પણ પડશે અને વારંવાર વાતાવરણમાં પલટો આવશે. આંધી અને વંટોળ સાથે વરસાદની પણ શક્યતાઓ છે.