વિભુ પટેલ, અમદાવાદ: અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 4થી 8 માર્ચમાં માવઠું થવાની આગાહી કરી હતી. હજુ 8 માર્ચ સુધી ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળશે અને અલગ-અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થયો છે. જોકે, માર્ચ મહિનામાં વધુ એક વખત માવઠું થવાનું અનુમાન લગાવ્યું છે. અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવશે, જેના કારણે માર્ચ મહિનાના મધ્યમાં પણ માવઠું થવાની શક્યતા છે. 12 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. 14થી 17માં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહી, 24થી 25 માર્ચના અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે અને ઉંચા મોજા ઉછળશે.
મે મહિનામાં પણ કાળઝાળ ગરમી પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મે મહિનામાં 49 મહત્તમ તાપમાન પહોંચવાની શક્યતા છે. તેમજ ગરમીના કારણે દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ થોડો વહેલો આવી શકવાની શક્યતા છે. તેમજ મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે. 15થી 19 મેમાં દક્ષિણ અંદમાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થશે. ચક્રવાત સક્રિય થાય ત્યારે દક્ષિણ પૂર્વ તટ પરથી ભેજ ગુજરાત તરફ આવે છે. જેના કારણે મે મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. માવઠાના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. સાથે બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ પર પણ અસર પડી રહી છે.
વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થયું છે. જ્યારે કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે (gujarat weather forecast on holi) અને મહત્તમ અને લઘુતમ તાપમાન પણ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં માવઠાની આગાહી છે.
મોંઘવારીના મારમાં ખેડૂતો પર માવઠાનો માર પણ પડી રહ્યો છે. જ્યારે હવે તહેવારો પર પણ માવઠાની અસર જોવા મળશે. કારણ કે, 7 માર્ચે હોળી છે. હોળી સાંજે પ્રગટાવવામાં આવે છે, પરંતુ માહોલ જોતા લાગે છે અમુક વિસ્તારમાં હોળી પર માવઠાનું પાણી ફરી વળશે. કેમ કે, 7 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર અને રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, થન્ડર સ્ટ્રોમ એક્ટિવીટી પણ સાંજના સમયે થતી હોય છે. એટલે લોકો પણ મૂંજવણમાં છે કે આ માવઠુ હોળી પ્રગટાવવા દેશે કે નહીં?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું થયું છે. જેના કારણે પાકને નુકસાન થયું છે. શિયાળું પાક તૈયાર થઇ ગયો છે, પરંતુ માવઠાએ પાણી ફેરવી દીધું છે. ગીરમાં પણ કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતી છે. કારણ કે, ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડે તો પણ કેરીનો પાક ખરી પડે છે. બીજી બાજુ, અમદાવાદ શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો છે અને ભારે પવન ફૂંકાય રહ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.