સંજય ટાંક, અમદાવાદ : કોટ વિસ્તારમાં ખુલ્લેઆમ ચરસ અને ગાંજાનાં વેચાણનો પર્દાફાશ થયો છે. કારંજ પોલીસે ત્રણ દરવાજા પાસેથી એક શખ્સને ચરસના જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધો છે અને તેના વિરુદ્ધ NDPS એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના ગૃહમંત્રીએ નશાબંધીના કાયદામાં ફેરફાર કર્યા બાદ માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો સામે કાયદાનો ગાળીયો કસવામાં આવ્યો છે. કારંજ પોલીસે ત્રણ દરવાજા પાસેથી મોહમ્મદ અફઝલ ઉર્ફે અબુ શેખને માદક પદાર્થ સાથે ઝડપી એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરી છે.
મોહમ્મદ અફઝલ ઉર્ફે અબુ શેખ , મૂળ અમદાવાદનો રહેવાસી છે. મોહમ્મદ અફઝલ છેલ્લા ઘણા સમયથી કારંજ વિસ્તારમાં હોપ ગલીના નાકે માદક પદાર્થ વેચી રહ્યો હતો. જે અંગે કારંજ પોલીસને બાતમી મળતા પોલીસે ત્રણ દરવાજા પાસેથી મોહમ્મદ અફઝલને ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 182 ગ્રામ જેટલા ચરસનો જથ્થો કબજે કર્યો છે. સાથે જ રોકડ અને એક વાહન પણ કબજે કરાયું છે.
મહત્વનું છે કે મોહમ્મદ અફઝલ ઉર્ફે અબુ શેખ આરોપીની વધુ પૂછપરછ કરતા સામે આવશે કે ચરસનો જથ્થો ક્યાંથી લાવતો હતો. કોણ તેને સપ્લાય કરતું હતું. સવાલએ છે કે બેરોકટોક રીતે આરોપી ચરસનો જથ્થો ખુલ્લેઆમ વેચતો હતો, ત્યારે આ માદક પદાર્થ આપનાર કોણ છે? આ સવાલોના જવાબ ત્યારે મળશે જ્યારે પોલીસ તેની વધુ પૂછપરછ કરશે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.