અમદાવાદ: ખેડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રે વે (Ahmedabad–Vadodara Expressway) પર અકસ્માત થયો છે. અમદાવાદથી વડોદરા જતી એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો અમદાવાદ શહેરના વટવાના રહેવાસી છે. અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે નડિયાદની હોસ્પિટલ (Nadiad Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે ભરૂચ ખાતે પરિવારના એક સભ્યને અકસ્માત નડ્યા બાદ પરિવાર કારમાં સવાર થઈને તેની તબિયત પૂછવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારને પણ નડિયાદ ખાતે અકસ્માત પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રોડની બાજુમાં ઊભેલા એક કન્ટેનર સાથે કારની ટક્કર થઈ હતી. જેમાં તમામ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યું થયા હતાં.
મૃતકના સગાના જણાવ્યા પ્રમાણે રસ્તા પર એક ટેન્કર ઊભું હતું. જેને ઓવરટેક કરવા જતા ગાડીને અકસ્માત નડ્યો હતો. અકસ્માત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ ખાતે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. મૃતકોમાં એક વ્યક્તિ, બે મહિલા (સાસુ-પુત્રવધૂ) અને બાળકીનો સમાવેશ થાય છે. તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, "મારા ભાઈને અકસ્માત નડ્યો હતો. આ અંગેની જાણ થયા બાદ મારી માતા, ભાભી અને તેમની નાની દીકરી તેમની તબિયત પૂછવા માટે ઘરેથી નીકળ્યા હતા. રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. મારા ભાઈનો ભરૂચ ખાતે અકસ્માત થયો હતો. આથી તમામ લોકો અકસ્માત સ્થળે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારને પણ વચ્ચે અકસ્માત નડ્યો હતો."