હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરની સોલા પોલીસે (Sola police-Ahmedabad) માત્ર દિવસે જ ચોરી કરતી ગેંગના સભ્યોને પકડી પાડ્યા છે. આ ગેંગના સભ્યો દિલ્હી (Delhi)થી કાર લઈને અમદાવાદના પોષ વિસ્તારમાં ચોરી કરવા આવતી હતી. આ ગેંગ ફતેહવાડીમાં રોકાઈને કારમાં ચોરી કરવા નીકળતી હતી. આ કાર અનેક વિસ્તારોમાં દેખાતા પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV footage) સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જે બાદમાં બાતમી મળતા પોલીસે ટોળકી ચોરી કરવા એક ફ્લેટમાં ઘૂસે તે પહેલા ઝડપી પાડી હતી. ત્રણમાંથી એક ચોર એટલો શાતિર હતો કે પોલીસથી ડરીને તેણે પોતાની જીભ નીચે રાખેલી બ્લેડ કાઢી હાથ અને માથામાં ઘા મારી દીધા હતા.
સીસીટીવી ફૂટેજમાં દેખાતી આ દિલ્હી પાસિંગની ગોલ્ડન કાર છેલ્લા ઘણા દિવસોથી સોલા અને અન્ય પશ્ચિમ વિસ્તારોમાં ફરી રહી હતી. જ્યારે જ્યારે આ કાર જે જે વિસ્તારમાંથી નીકળી હોય તે જ સમયગાળામાં ત્યાં ચોરી થતી હતી. જેથી આ કારમા આવતા લોકો જ ચોરી કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. તપાસ કરી પણ પોલીસને કોઈ કડી હાથ ન લાગી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ દરમિયાન એક પાનના ગલ્લાવાળાએ ફરી આ કાર જોતા તાત્કાલિક સોલા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસ જે જગ્યાએ પહોંચી હતી ત્યાં આ આરોપીઓ ચોરી કરવા જ આવ્યા હતા અને રંગે હાથ ઝડપાયા હતા તેમ સોલા પીઆઇ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું.
આ ત્રણ આરોપી પૈકી એક ઇર્ષાદ કુરેશી આરોપી કે જેના માથે પાટાપીંડી કરાઈ છે તે આરોપીએ પોતાને બ્લેડ મારી હતી. પોલીસના મારથી બચવા જીભ નીચે રાખેલી બ્લેડ કાઢી હાથ અને માથામાં બ્લેડના ઘા મારી દેતા તાત્કાલિક તેને સારવાર પણ અપાઈ અને તેને 12 ટાંકા આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આરોપીઓ કોઈ મકાનની રેકી કરતા ન હતા.
આ કાર તેઓએ તેમના મિત્ર પાસેથી ખરીદી હતી. જ્યાં જ્યાં કાર લઈને નીકળે ત્યાં ત્યાં મકાન બંધ હોય તો ચોરી કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓ તેમના ઓળખીતા સમીર નામના શખ્સના ફતેહવાડી ખાતેના મકાનમાં રોકાતા હતા અને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ અનેક ચોરીને અંજામ આપ્યો છે પણ આરોપીઓને સ્થળ યાદ નથી તેવું રટણ કરતા કુલ કેટલી ચોરી કરી છે તેનો આંકડો પોલીસ મેળવી શકી નથી.