અમદાવાદ : શહેરમાં (Ahmedabad) મોડી રાત્રે નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં (Shrey Hospital) ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આગમાં 5 પુરુષ અને 3 મહિલા સહિત કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. ત્યારે મૃતકોનાં પરિવારજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રેય હૉસ્પિટલનાં 4 ટ્રસ્ટીઓ છે જેમાંથી એક ભાજપના ભરત મહંત પણ છે. હાલ પોલીસ તેમને પૂછપરછ માટે લઈ ગઈ છે. ભરત મહંત પર પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે. આ પહેલા કોલેજની વિદ્યાર્થિનીએ તેમની વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી.
આ અંગે સેક્ટર -1 જોઈન્ટ કમિશર ઓફ પોલીસ (JCP) આર.વી. અંસારીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ અંગેની તપાસ શરૂ કરી દેવામા આવી છે. હૉસ્પિટલમાં ફાયર સેફ્ટી હતી કે નહીં, ઇમરજન્સી એક્ઝિટ હતી કે નહીં. આ તમામ પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે. હાલ 4 ટ્રસ્ટીઓ પૈકી ભરત મહંત નામના ટ્રસ્ટીને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. દર્દીઓના સગાઓને પણ પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે.
આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમજ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરતા તે પણ એક્સપાયરી ડેટના નીકળ્યા છે. ત્યારે હોસ્પિટલે પણ મધરાતે લાગેલી આગમાં મોતને ભેટનાર દર્દીઓના પરિવારજનોને જાણ ન હતી કરી. પરિવારજનનોને ટીવી ચેનલો દ્વારા દુર્ઘટનાની જાણ થઈ હતી. હાલમાં શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ભરત મહંત 1997માં પોરબંદરની કુતિયાણા બેઠકથી ચૂંટણી લડ્યા હતા. કરસન ઓડેદરાની સામે ભરત મહંત કોંગ્રેસ તરફથી લડ્યા હતા. ગત લોકસભા ચૂંટણી વખતે ભરત મહંત ભાજપમાં જોડાયા હતા.<br />આ ઉપરાંત શ્રેય હૉસ્પિટલનાં ટ્રસ્ટીઓની વાત કરીએ તો, ભાજપના ભરત મહંત, ડોક્ટર કિર્તીપાલ વિસાણા, ડોક્ટર ભાર્ગવ મહારાજા, સુપ્રાટેક લેબના સંદીપ શાહ, ડોક્ટર તરંગ પટેલ, મહેશ ઓડેદરા છે.