અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર એકબાજુ પાર્કિંગનો (airport parking) વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ કેબ સંચાલકોને ફાળવેલી જગ્યા પર પણ ચાર્જ વસુલવાનું શરૂ કરાયું છે. એટલે કે, હવે ઉબર અને ઓલા કેબ ચાલકોને ફાળવેલી જગ્યા પર પણ ચાર્જ વસૂલવામાં આવશે. એરપોર્ટમાં હવે કેબ બૂક (book cab) કરાવનારને વધારાના 50 રૂપિયા ચૂકવવા પડશે. પહેલો કલાક ફ્રી આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ એક કલાક મુજબ 50 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જે વસૂલાત પણ હવે મુસાફરો પાસેથી લેવામાં આવશે. મંગળવારે જ આ અંગે વિવાદ સર્જાયો હતો. એક કાર ચાલક પાસે પાર્કિંગનાં સાત હજાર વસૂલવામાં આવ્યા હતા. જે અંગે ભારે હોબાળો મચ્યો હતો.
પાર્કિંગ ચાર્જ અંગે સફાઇ આપતા અદાણી મેનેજમેન્ટ કહે છે કે, અમને એરપોર્ટ પર મુસાફરોની ફરિયાદો મળતી હતી, ખાસ કરીને ઓલા બૂક કર્યા બાદ ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવતી હતી એટલે કે રૂપિયા સંચાલકો વધુ ભાડું વસૂલ કરવા માટે જાણી જોઈને ટ્રીપ કેન્સલ કરીને ફરીથી મુસાફર બૂક કરે ત્યારે ડબલ ચાર્જ લેવામાં આવતો હતો. એટલું જ નહીં કેટલાક સંચાલકો કાર એરપોર્ટના પ્રીમાઇસિસમાં છોડીને ઘરે જતા રહેતા હતા. જેના કારણે આખી રાત કાર પડી રહેતી હતી એટલે સુરક્ષા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થતા હતા. આમ હવે મુસાફરને કેબ જલ્દી મળી રહે તે માટે અમે આ ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે.