અમદાવાદ: શહેરમાં (Ahmedabad rainfall) રવિવારે સાંજે ભારે પવન ફૂંકાવવાની (Ahmedabad thunderstorm with rain) સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમા શહેરમાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. રવિવારે સાંજે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. શહેરમાં આખો દિવસ 43 ડિગ્રીમાં અમદાવાદીઓએ ગરમી અને બફારો સહન કર્યો હતો પરંતુ સાંજ પડતા ભારે પવન સાથે વરસાદ વરસતા ઠંડક વ્યાપી હતી. આંકડા પ્રમાણે, અમદાવાદમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં બાલ્કનીની દીવાલ પણ ધરાશયી થઇ હતી. શહેરના ગુરુકુળ વિસ્તારના આમ્રકુંજ એપાર્ટમેન્ટની ગેલેરી પડી ગઇ હતી. જેમાં ત્રણ માળની ગેલેરી ધરાશયી થતા ભાગદોડ થઇ હતી. તેમાં ગેલેરી પડતા 5 મહિલાઓને ફાયર વિભાગે બહાર કાઢી હતી. જોકે, આ ઘટનામાં કોઇને જાનહાની થઇ નથી. કોર્પોરેશને મકાન જર્જરિત હોવાની નોટિસ આપી હતી. તેમાં તંત્રએ મકાનો ખાલી કરાવ્યા હતા.
ખાનગી હવામાન વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ રહેશે. આ સાથે વરસાદી ઝાપટાંથી હળવો વરસાદ પણ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા એંધાણ મળ્યા છે.