સંજય ટાંક, અમદાવાદ : રાજ્યમાં વરસાદની મોસમ હવે ધીરે ધીરે જામી રહી છે. જોકે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ધોધમાર વરસાદ પડે ત્યારે તો અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. પણ અહીં વાત એવા વિસ્તારની છે જ્યાં નજીવો વરસાદ પડે છે ત્યાં જ વરસાદના પાણી રસ્તા પર છવાઈ જાય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ મોન્સૂન પ્લાન પણ અહીં વરસાદી પાણીમાં ધોવાય જાય છે.
આ તસવીરો છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારની. આ તસવીરો જ કહી આપે છે કે વરસાદના પાણીના કારણે રોડ પર નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકો ની શું હાલત થતી હશે. કારણ કે અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં ક્યારેક છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ જો શહેરમાં નજીવો વરસાદ પડે અને પાણી ભરાઈ જાય એ વિસ્તારની વાત કરવી હોય તો તે છે હાટકેશ્વર વિસ્તાર. શહેરમાં માત્ર અડધો પોણો કલાક પણ વરસાદ પડે તો પણ હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા દર વર્ષની છે છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી. અનેકવાર કોર્પોરેશનના ધ્યાન પર આ વાત મૂકી છે પણ છતાં તેનું નિરાકરણ નથી આવતું. જ્યારે પણ પાણી ભરાય છે પછી AMCના ઈજનેર વિભાગના કર્મચારીઓ કામે લાગે છે પણ છતાં અહીં વરસાદના પાણી ઓસરતા કલાકો વીતી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં વરસાદી પાણી ના નિકાલની લાઈન નાખવાની જરૂર છે કે પછી આ પાણીના કાયમી નિકાલની જરૂર છે.