અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સાંજ પડતાની સાથે જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર કલાકથી વરસાદ શહેરને ગમરોળી રહ્યો છે. જેને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. પીક અવર ટાઈમમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
શહેરમાં જીવરાજપાર્ક, શ્યામલ, મેમનગર, ઈસ્કોન, પ્રહલાદનગર, મોટેરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોપલ, ઘાટલોડિયા, સૈજપુર, ઇસનપુર, સરખેજ, રાણીપ, ગોતા, ન્યુ રાણીપ સહિતના આખા અમદાવાદમાં વરસાદની પધરામણી થઈ હતી. ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જોકે, આજે રવિવાર હોવાથી ટ્રાફિકની સમસ્યા ઓછી સર્જાઈ હતી, પરંતુ ચાલુ દિવસમાં આ પ્રકારની સ્થિતિ હોત તો વાહન ચાલકોને વધારે પરેશાની ભોગવવી પડી હોત. જો હજુ પણ મેઘરાજા આજ રીતે હવે થોડો સમય બેટિંગ કરશે તો, શહેરના મુખ્ય અંડર બ્રિજ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે.