અમદાવાદ: શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં પાણી જ પાણી જેવા દ્રશ્યો સર્જાયા છે. આજે બપોર બાદ કાળા ડિંબાગ વાદળો ઘેરાયા બાદ પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે જાણે સમગ્ર શહેરને ધમરોળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદ શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરના સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ, બોડકદેવમાં કલાકમાં અઢી ઈંચ વરસાદ, બોપલમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
પવનના સૂસવાટા સાથે શહેરમાં ભારે વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. પ્રહલાદનગર, એસજી હાઈવે પર ધોધમાર વરસાદને કારણે ટ્રાફિકજામ જોવા મળ્યું હતું. સાંજના સમયે ઓફિસથી ઘરે જતાં લોકોને હાલાકી પડી રહી છે. કેમ કે, પાણી ભરાતાં વાહન વ્યવહારને પણ અસર પડી છે. બીજી બાજુ, ભારે બફારા બાદ ધોધમાર વરસાદને લીધે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા રાહત મળી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. દાહોદ, લીમડી, ઝાલોદ, ફતેપુર, સિંગવડમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે. તાલાળા ગીર અને વેરાવળ પંથક, માથાસુલિયા, ભેટાલી અને લુંભામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ભારે બફારા બાદ લગભગ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 સેપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.