દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટે અલગ અલગ જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. ઝૂંપડામાંથી પાકા મકાન બનાવીને વર્ષોથી વસવાટ કરતા લોકો ગેરકાયદેસર રહેતા હોવાનું અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કહેવામાં આવે છે. એએમસી દ્વારા પાડવામાં આવેલા મકાનો બાબતે ન્યૂઝ18 ગુજરાતીએ ગ્રાઉન્ડ રિપોર્ટમાં કર્યો છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો રહે છે. અહીં ઘણા મજૂરો મજૂરી કરીને પોતાના પરિવારનું ભરભોષણ કરે છે. પરંતુ 4 દિવસ પહેલા તમામને પોતાના ઘર ગેરકાયદેસર હોવાની જાણ થઈ અને નોટિસ મુજબ ઘર પાડી દેવામાં આવ્યા હતા. જેને કારણે તમામ પરિવારજનો તૂટેલા ઘરમાં રોટલા શેકવા અને સુવા માટે મજબૂર બન્યા છે. અહી 200થી વધારે મકાનો તોડ્યા હોવાનું સામે આવ્યું છે.
નરોડા સંતોષી નગરની મહિલાઓની વેદના - ન્યૂઝ18ની ટીમ જ્યારે અહીં પહોંચી તો કેટલીક મહિલાઓ વાતચીત કરતા રડી પડી હતી. તેમણે કહ્યું કે સમાજમાં નીચલા સ્તર પર અમને ગણતા હોવાથી અમને મકાન આપતા નથી,એટલું જ નહીં 10 થી 20 હજાર ડિપોઝિટ માંગે છે. ઘરના પુરુષો ખાસ આવી ઠંડીમાં પરિવારની રક્ષા કરવા આખી રાત જાગે છે કારણ કે નાની નાની માસૂમ બાળકીઓ સાથે અઘટિત બને તેવા કિસ્સા તેમને ઘણા સાંભળ્યા છે. જેને લઇને મહિલાઓ ચિંતિત છે. તેઓ અહી જ બાળકીઓને બેસીને તૂટેલા મકાનમાં ખાય છે.
અપંગ અમિતભાઈની લાચારી - નરોડામાં સંતોષી નગરમાં રહેતા અમિતભાઈ 1990માં રહેવા આવ્યા હતા. તેમણે ઘર પાસે પાનનો ગલ્લો કર્યો હતો. પરિવારમાં 3 દીકરીઓ અને પત્ની છે. અમિતભાઈ જન્મથી અપંગ છે. તંત્રએ અમિતભાઈના પાનનો ગલ્લો પણ તોડી નાખ્યો છે. તેથી તે આર્થિક લાચાર બની ગયા છે. લાઈટ ના હોવા છતાં તેઓ તૂટેલા મકાનમાં દીકરી અને પત્ની સાથે સૂતા હોય છે. ઝૂંપડપટ્ટીના લોકો તેમનો સાથ આપે છે અને પત્ની કોઈકના ઘરના કચરા-પોતા કરવા જઇને 2 પૈસા કમાઈને ખાય છે.