ઋત્વીજ સોની, અમદાવાદ: આપણા સમાજમાં સ્ત્રીને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ ક્યારેક કેટલાક હવસ કે દહેજ ભૂખ્યા વ્યક્તિઓ સ્ત્રી પર અમાનુષી અત્યાચાર કરીને માનવતાની તમામ હદ વટાવી દેતા હોય છે. દુશ્મનો પણ ન કરે તેવો ખરાબ વ્યવહાર એક પતિ (Husband)એ તેની પત્ની (Wife) સાથે કર્યો હોવાનો એક દર્દનાક કિસ્સો શહેરના સોલા વિસ્તાર (Sola area)માં સામે આવ્યો છે. જ્યાં પતિ છેલ્લા 14 વર્ષથી પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજારી રહ્યો હતો. પતિએ માનવતાની હદ ત્યારે વટાવી કે જ્યારે શર્ટમાં પડેલા એક સામાન્ય દાગ બાદ પત્નીને પોતાનું થૂંક અને બૂટ ચાટવા માટે મજબૂર કરી હતી. એટલું જ નહી, આ નરાધમ પતિ જ્યારે બાથરુમમાં સ્નાન કરતો હોય ત્યારે પોતાની સગીર દીકરીઓનો અંદર બોલાવીને નગ્ન અવસ્થામાં પીઠ તેમજ છાતીના ભાગે સાબુ ઘસવાનું કહેતો હતો.
ગોતા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ આપી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલાના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા. લગ્નના સાત દિવસ પછી મહિલાની સોનાની બુટ્ટી ગાયબ થતા પતિએ બુટ્ટી મામલે પૂછતા તે પિયરમાં રહી ગઈ હોવાનું કહ્યું હતું. જે બાદમાં અમદાવાદ જઇને બુટ્ટી લઇ આવવા બાબતે પતિએ મહિલા સાથે બોલાચાલી કરીને ઝધડો કર્યો હતો.
લગ્નના શરુઆતથી પતિએ મહિલા પાસે દહેજના ભાગરૂપે રુપિયા, ઘરવખરીનો સામાન માંગીને માર માર્યો હતો. જેથી મહિલાએ તેના પિતા પાસેથી ઘરવખરીનો સામાન માંગ્યો હતો. પિતાએ બેડ, સોફા, કબાટ, ફ્રીઝ, વોશિંગ મશીન, ડાઇનિંગ ટેબલ મોકલાવ્યું હતું. મહિલાએ દીકરીને જન્મ આપ્યા બાદ પતિને આણંદ ખાતે નોકરી મળી હતી. ત્રણેય જણા આણંદમાં રહેવા માટે જતા રહ્યા હતા જ્યાં પતિએ મહિલા પર ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યુ હતું. આણંદમાં લાગેલી નોકરી છૂટી જતા ત્રણેય જણા અમદાવાદ આવી ગયા હતા. જ્યાં તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા.
મહિલાના પિતા તેમને આર્થિક મદદ કરતા હતા. થોડાક સમય પછી દંપતીએ મકાન ખરીદવાનુ નક્કી કર્યું હતું, જેમાં મહિલાના પિતાએ લોન ભરવા માટે આઠ લાખ રુપિયા ફીક્સ ડોપોઝિટ તોડાવીને આપ્યા હતા. પતિની ભૂખ નહીં સંતોષાતા તેણે મહિલા પાસેથી કાર માંગી હતી. જે બાદમાં મહિલાના પિતાએ કાર અપાવી હતી. બાદમાં લોનના હપ્તા ભરવા માટે પણ મહિલાના પિતાએ સાત લાખ રુપિયાના દાગીના વેચી માર્યા હતા.
થોડાક વર્ષો પહેલા દંપતી પુત્રી સાથે કારમાં ગયા હતા. અહીં પતિ રસ્તો ભૂલી જતા તેણે મહિલાના મોઢા પર ફેટ મારીને તેણીને લોહીલુહાણ કરી દીધી હતી. એટલું જ નહી શર્ટમાં સામાન્ય દાગ પડી જતા પતિએ મહિલાને મારમાર્યો હતો અને ઘરમાં પડેલું થૂંક ચટાડીને પોતાના બુટ પણ ચટાડ્યાં હતાં. બે દિવસ પહેલા પતિ દારુ પીને આવ્યો હતો ત્યારે મહિલાનો હાથ ખેંચીને રુમમાં લઇ ગયો હતો. જે બાદમાં મહિલા અને તેની પુત્રી ગભરાઇને બહાર આવી ગયા હતા અને પોલીસને ફોન કરીને ફરિયાદ કરી હતી.
સોલા પોલીસ ઘટના સ્થળે આવી જતા દારૂડિયા પતિની ધરપકડ કરી હતી. સોલા પોલીસે આ મામલે પતિ વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધી છે. ફરિયાદ પ્રમાણે નરાધમ પતિ જ્યારે સ્નાન કરવા માટે જતો હતો ત્યારે નગ્ન અવસ્થામાં સગીર દીકરી પાસે પીઠ અને છાતીના ભાગે સાબુ ઘસાવતો હતો. પોલીસે આ કેસમાં નરાધમની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.