હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ તેને થોડા સમય પછી ગર્ભ રહ્યો હતો. યુવતીનો પતિ તથા નણંદ આ ગર્ભ ન રાખવા દબાણ કરી માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં યુવતીનો પતિ પત્નીથી અને ગર્ભમાં રહેલા બાળકથી છૂટકારો મેળવવા દુબઈ જતો રહ્યો હતો. આખરે યુવતીએ ત્રાસથી કંટાળી ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના નિકોલમાં રહેતી 28 વર્ષીય યુવતી વકીલાતનો વ્યવસાય કરે છે. વર્ષ 2012માં આ યુવતીના સાબરકાંઠા ખાતે રહેતા યુવક સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં બંને વાતચીત કરતા હોવાથી તે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બંને લગ્ન કરવાનું વિચાર્યું હતું, પરંતુ યુવતીના માતા-પિતાની રાજી ખુશી ન હોવાથી બંનેએ અમદાવાદ ખાતે પ્રેમ લગ્ન કર્યા હતા.
બાદમાં બંને અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હતા. આ યુવતી તેના પતિ સાથે સુરત ખાતે રહેવા ગઈ હતી. એક મહિનાનો સમય વીત્યા પછી યુવતીનો પતિ તથા નણંદ અવારનવાર કહેતા કે તમે ભલે અન્ય સમાજના હોવ પણ અમારા સમાજમાં ક્યાંય આવવા જવાનું થાય તો તમે જૈન છો એ રીતનું વર્તન કરજો. યુવતીએ પોતાની ઈજ્જત આબરૂ સચવાય તે માટે તેઓની વાતમાં હા પાડી હતી. યુવતીને તેના પતિથી લગ્નજીવનમાં ગર્ભ રહ્યો હતો તે ગર્ભ નહીં રાખવા બાબતે તેના પતિ અને નણંદ અવારનવાર બોલાચાલી કરતા હતા. પરંતુ યુવતીએ તેઓનું માન્યું નહોતું અને ગર્ભ રાખ્યો હતો.
યુવતી ગર્ભ ન રાખે તે માટે પતિ અને નણંદ ઝઘડો તકરાર કરતાં હતા. આટલું જ નહીં, ગર્ભમાં રહેલ બાળકથી અને પત્નીથી છૂટકારો મેળવવા માટે યુવતી નો પતિ દુબઈ જતો રહ્યો હતો અને થોડા મહિના પછી પરત આવી ગયો હતો. પરત આવ્યા બાદ પણ યુવતીનો પતિ ગર્ભ ન રાખવા માનસિક શારીરિક ત્રાસ આપતો હતો અને આખરે યુવતીના પતિએ છૂટાછેડા લેવા બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.