અમદાવાદ: આજે સોમવારે સતત ત્રીજા દિવસે વરસાદે અમદાવાદ શહેરને ધમરોળ્યું છે. આજે બપોરના સમયે ફરી કાળા ડિંબાગ વાદળો છવાતાં ધોળે દિવસે અંધારપાટના દ્રશ્યો સર્જાયા હતા. જાણે ભદરવો અમદાવાદ સહિતના વિસ્તારોમાં મનમૂકીને વરસી રહ્યો છે, ત્યારે કલાકમાં જ જાણે રસ્તા પર નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાય હતા. ખાસ કરીને વેજલપુર, જીવરાજ, સેટેલાઇટ વિસ્તારમાં તો રિતસર જાણે નદીનો પ્રવાહ વહી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં દર વખતની જેમ આજે પણ વરસાદ બાદ પાણી જ પાણી જોવા મળ્યું હતું. અહીં લોકોની ગાડીઓના ટાયર પણ ડૂબી ગયા હતા અને ચાલતાં જતાં લોકોના ઘૂંટણીથી વધુ પાણી ભરાયા હતા. આવામાં લોકોના વાહન બંધ થતાં વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ, પાણી જલદીથી ઓસરી જાય તે માટે ગટરના ઢાકળા પણ ખોલી દેવામાં આવ્યા હતા. એનાથી જોખમી વધી જતું હોય છે. શાળાએથી છૂટેલા નાના બાળકો પણ આ રસ્તેથી સાઇક પર કે ચાલતાં જતાં જોવા મળ્યા હતા. જો, ભૂલેચૂકે કોઇ દુર્ઘટના બને તો તેના માટે કોણ જવાબદાર રહેશે?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ, આગાહી છતાં તંત્રની તૈયારીઓ છતી થઇ રહી છે. હંમેશા પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલો થઇ રહ્યા છે, ત્યારે બે-ચાર ઇંચમાં જ રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશયો સર્જાતા હોય છે. તેની સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.