અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં 75 તાલુકાઓમાં વરસાદ નોંધયા છે. આજે સાંજે ચાર વાગ્યા બાદ અમદાવાદમાં શરૂ થયેલા વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. અમદાવાદમાં 2 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે. અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિકજામની દ્રશ્યો સર્જાયા છે. સાથે જ વરસાદને પગલે અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે. અમદાવાદમાં છેલ્લા બે કલાકમાં બેથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે અમદાવાદના વેજલપુર, જીવરાજ, સેટેલાઇટ, એસજી હાઇવે, રાણીપ, ઉસમાનપુરા, ગોતા, આંબાવાડી, એરપોર્ટ વિસ્તાર, પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાંજે એક રાઉન્ડ બાદ વરસાદે થોડો વિરામ લીધો હતો, પરંતુ હવે ફરીથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને સતત વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.