વિભુ પટેલ, અમદાવાદ : ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની (PM Narendra Modi) ઉપસ્થિતીમાં સાબરમતી આશ્રમ (Sabarmati Ashram, Ahmedabad) અમદાવાદ ખાતે 12 માર્ચના રોજ યોજાશે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.
‘આઝાદીના અમૃત મહોત્સવ’ હેઠળ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી દાંડી સુધી પ્રતીક દાંડીયાત્રા યોજાશે. આ યાત્રા દરમિયાન દરેક મથકે કૂચ કરનારાઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલી કાર્યક્રમ, દેશભક્તિ ગીત અને ભજન કાર્યક્રમો, નાટય પ્રસ્તુતિઓ અને જાણીતા વકતાઓ દ્વારા વેબિનાર તથા લેકચર સિરીઝનું આયોજન થશે. મહાનુભાવો આ કાર્યક્રમોમાં સહભાગી થવાના છે.