અમદાવાદ: કોરોના વાયરસ (coronavirus) જ્યારથી આવ્યો છે ત્યારથી કોરોનાને વધતો અટકાવવા માટે વૈજ્ઞાનિકો અને ડોકટર્સ દ્વારા જાત જાતના રિસર્ચ (research) કરવામાં આવી રહ્યા છે. તેવામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના (Gujarat technology University) પ્રોફેસર દ્વારા કરાયેલા રિસર્ચમાં ગામડાઓમાં ખેતરોની વાડ પર જોવા મળતો હાથલીયો થોર (thor plant for corona) કોરોનાનો સફાયો કરવામાં કારગર નીવડ્યો સાબિત થયું છે. તેમણે હાથલીયા થોર પર ઉગતા લાલ ફળમાંથી એક દવા તૈયાર કરી છે.
પ્રોફેસરનું આ ઇનોવેશન પણ સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સની યોજાયલી બેઠકમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે. પ્રધાનમંત્રીએ 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના વિકાસથી આત્મનિર્ભર ભારત અભિયાન વેગવંતુ બની રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇનોવેટર્સના સતત સંપર્કમાં રહે છે. જે અંતર્ગત વિવિધ સ્ટાર્ટઅપકર્તાઓ સાથે ઇનોવેટર્સ સાથેની ચર્ચામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ પણ જોડાયા હતા.
પ્રો. સંજય ચૌહાણે આ બાબતે જણાવ્યું હતું કે, હાથલીયા થોરમાંથી તૈયાર થયેલી આ દવા માનવ શરીરમાં કોઈપણ પ્રકારના વાઇરસને પ્રવેશતા અટકાવે છે. માનવ શરીરના કોષોમાં કોઈ પણ પ્રકારના વાયરસની વૃદ્ધિ થતાં પણ અટકાવે છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતો હોવાથી કોરોના જેવા વાયરસ સામે લડવા માટે આ દવા અસરકારક નીવડી શકે છે. હાથલીયા થોરના ફળમાંથી હેમ્પોઈન નામની દવાની નિર્માણ કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, આ પ્રકારના એકેડમીક રિસર્ચ આગામી દિવસોમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. જીટીયુ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાથલીયા થોરમાંથી આ દવાનું નિર્માણ થતું હોવાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ આ પ્રકારના હાથલીયા થોરનું વાવેતર કરાવીને ખેડૂતોને આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકાય છે. મહત્વનું છે કે, કોરોનાને મ્હાત આપવામાં એલોપથી સારવાર સાથે આયુર્વેદિક ઔષધિઓ પણ મહત્વની કડી સાબિત થઈ છે ત્યારે GTUના પ્રોફેસરનું આ રિસર્ચ પણ કોરોનાનો ખાત્મો બોલાવવા અગત્યનું માધ્યમ બની શકે છે.