હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ: શહેરમાં પૂર્વ વિસ્તારમાં જવેલર્સ શોપમાં રંગીન સારા કપડા પહેરી ગ્રાહક બનીને ચોરી કરતા એક જ કુટુંબના પરિવારજનો ની નારોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી જાણી પોલીસ નવાઈ પામી હતી. માત્ર રૂપિયા ની જરૂર માટે આ ગેંગ જવેલર્સ શોપમાં ગ્રાહક બનીને જતા અને ચોરી કરી ફરાર થઈ જતા હતા. જવેલર્સ ના માલિકે સીસીટીવી ફૂટેજ વાયરલ કરતા અન્ય એક દુકાનમાં પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
તો આરોપીઓમાં એક પુરુષ સ્ત્રી બાળક લઈને દુકાનમાં ઘૂસતા હતા અને અન્ય લોકો બહાર નજર રાખી ચોરી કરી ફરાર થઈ જતા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં એક ભાઈ બહેન ભાભી સહિત ચાર લોકો હોવાનું નારોલ પોલીસે જણાવ્યું છે. તાજેતરમાં નારોલમાં આવેલા ઘરેણાં જવેલર્સમાં ચોરીની ઘટના બની હતી. જેને લઈને વેપારીએ નારોલ પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. સાથે જ સીસીટીવીમાં દેખાતા ચોરના ફોટો વિડીયો વાયરલ કરતા અન્ય એક વેપારીના ત્યાં પણ આ જ ગેંગના લોકોએ 80 હજારના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.
જેથી નારોલ પોલીસસ્ટેશન ના મહિલા પીએસઆઇ ટી કે દેવમુરારી એ તેમની ટીમ સાથે મળી સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ થી એક જ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે. નારોલ પોલીસે કાજલ દંતાણી, તેજલ દંતાણી, ધર્મેશ દંતાણી, શીતલ દંતાણીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી ધર્મેશ અને શીતલ બને પતિ પત્ની છે. આ ગેંગ મૂળ ધોળકાની છે જે હાલ નારોલમાં રહેતા હતા. તમામ લોકોની હાલ નારોલ પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યોએ નારોલમાં બે જવેલર્સ શોપમાં જઈને ગ્રાહકના સ્વાંગમાં નજર ચૂકવી 1.53 લાખ અને 80 હજારના દાગીનાની ચોરી કરી હતી.
જવેલર્સ શોપના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થતા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી થકી આરોપીઓની ધરપકડ કરી હોવાનું પીએસઆઇ ટી કે દેવમુરારીએ જણાવ્યું છે. આ ગેંગ ગ્રાહક બનીને અપ ટુ ડેટ તૈયાર થઈને જવેલર્સ શોપમાં જતા હતા. બેએક લોકો બહાર ઉભા રહેતા જ્યારે ગ્રાહક બનીને દુકાનમાં જનાર લોકો નાનું બાળક સાથે રાખતા જેથી દુકાનદાર ને શંકા ન જાય. બાદમાં ઘરેણાં જોવા માટે અનેક દાગીના કઢાવી નજર ચૂકવી ત્યાંથી નિકળી પલાયન થઈ જતા હતા. નારોલ માં આ ઘટનાને અંજામ આપ્યા બાદ જવેલર્સ માલિકે સોશ્યલ મીડિયામાં આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરતા વધુ એક ચોરી નો બનાવ પણ આ જ ગેંગ એ આચર્યા હોવાનું સામે આવ્યું હતું.
જેથી નારોલ પોલીસે તમામ ચારેય લોકોની ધરપકડ કરી બે ગુનાના ભેદ ઉકેલ્યા છે. કે ડિવિઝન એસીપી મિલાપ પટેલ એ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ છાશવારે બને છે. જેથી હવે જવેલર્સ માલિકોએ પોતાની દુકાનના સીસીટીવી ફૂટેજ રાખવાની જરૂર ઉભી થઇ છે. કેમકે માલિકો એકાદ અઠવાડિયે હિસાબ કરે ત્યારે દુકાનમાં રાખેલા માલની ઘટ આવે અને આવી ઘટના બની હોવાની જાણ થાય છે ત્યાં સુધી આરોપીઓ ફરાર થઈ જાય છે. તો બીજીતરફ હવે એક દંપતી આ કેસમાં ફરાર હોવાથી પોલીસે તે લોકોની પણ શોધખોળ હાથ ધરી છે.