દીપિકા ખુમાણ, અમદાવાદ: આજે સવારે શહેરના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગને પગલે અફરાતફરી મચી જવા પામી હતી, જ્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક મહિલાના મોતની જાણકારી મળી હતી. પરંતુ પ્રથામિક તપાસમાં જે માહિતી સામે આવી હતી, તે ખૂબ જ ચોંકાવનારી હતી. આ જે-તે કારણસર લાગેલી આગ નહોતી. પતિએ પત્નીની હત્યા બાદ આગ લગાવી હોવાનું ખુલ્યું હતું. ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવી હતી.
આ સાથે જ સિક્યોરિટી ગાર્ડનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સિક્યોરિટી ગાર્ડે પતિ-પત્નીને ચપ્પાના ઘા મારેલી હાલતમાં જોયા હતા. બન્ને ગંભીર રીતે ઘાયલ હતા અને તે દરમિયાન જ અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે મકાન માલિક ઝખમી હાલતમાં નીચે હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, આગ પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.
આ સમગ્ર મામલે પતિએ પોલીસને નિવેદન આપ્યું છે. ડી. વી. રાણા (એસીપી એલ ડિવિઝન)એ જણાવ્યું હતું કે, આ બનાવ સવારે 9.30 કલાકનો છે. ઘટનાને પગલે ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે અનિલભાઈ સોલા સિવિલ હતા. દંપત્તિ બ્રેડ બટર નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન નાસ્તો વાસી હોવા મામલે ઝગડો શરૂ થયો હતો. જે દરમિયાન પત્નીએ પોતાના પર છરીના ઘા ઝીંક્યા હતા અને ગેસ કનેક્શન કાઢીને આગ લાગવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ અનિલભાઈએ બચાવ-બચાવની બૂમો પાડી હતી. પોલીસ તપાસ તપાસ કરી રહી છે કે, અન્ય બાબતોનું મન દુઃખ હતું કે નહીં? ઘટના સ્થળ પર એફએસએલની ટીમ તપાસ માટે પહોંચી છે. અનિલભાઈ ટોરે જાપાનીઝ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે વર્ક ફ્રોમ હોમ કામ કરતા હતા. ઉપરાંત, તેમણે વર્ષ 2017માં આ ઘર લીધું હતું. અવારનવાર પરિવારના લોકો પણ ઘરે આવતા હતા. જ્યારે પત્ની માનસિક તણાવમાં રહેતી હતી. આ મામલે બાળકોની પૂછપરછ પણ ચાલુ છે. પત્નીની બહેનને પણ બોલાવ્યા છે. તપાસ મામલે ફિગરપ્રિન્ટ કોલ ડેટા તમામનો ઉપયોગ કરવામાં આવશે.