સંજય ટાંક, અમદાવાદ: શું તમારા વિસ્તારમાં મિલ, કેમીકલના કારખાના કે કંપનીઓ હવામાં પ્રદુષણ ફેલાવી રહી છે. શું કંપનીઓ રાત્રિના સમયે ચીમનીઓ મારફતે હવામાં ઝેરી ગેસ છોડી રહી છે. તો તે હવામાં પ્રદુષણ ફેલાવનારા તત્વો પળવારમાં પકડાય જાય તેવું એક અદભુત ડિવાઈસ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. આ ડિવાઈસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને તો કામ આવી જ શકે છે. સાથે જ આમ પબ્લિક એટલે કે તમે પણ એ ડિવાઈસ પરનો ક્યુઆર કોડ સ્કેન કરીને તમારા વિસ્તારમાં વાયુ પ્રદુષણ કેટલું છે કોણ ફેલાવી રહ્યું છે આ પ્રદુષણ તેને પકડી શકો છો.
સમગ્ર દેશ અને દુનિયામા હાલ આપણે ગ્લોબલ વોર્મિંગની અસર જોઈ જ રહ્યાં છીએ. ઉદ્યોગો દ્વારા છોડાઈ રહેલા ગેસ, પેટ્રોલ ડિઝલના ધુમાડાના વાહન વ્યવહારનો વધતો વ્યાપ આ તમામથી પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની અસરો વર્તાઈ રહી છે. ત્યારે ગવર્મેન્ટ પોલિટેકનીકના આઈસી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ કૌશલ પ્રજાપતિ, હેત પટેલ, ચંદન યાદવ અને દર્શિલ શાહ તેમના મેન્ટર શ્રીજી ગાંધીના માર્ગદર્શન હેઠળ તેઓએ એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે એર પોલ્યુશન ફેલાવનારા તત્વોને પળવારમાં પકડી પાડશે.
એન્જનિયરિંગના છેલ્લા વર્ષના આ વિદ્યાર્થીઓએ આઈઓટી બેઝ એટલે કે ઈન્ટરનેટ ઓફ થીંગ્સ બેઝ ડિવાઈસ બનાવ્યું છે. જે કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, ડસ્ટ એલપીજી સ્મોક ટેમ્પરેચર હ્યુમીડીટીને સેન્સર દ્વારા મોનિટર થઈ એન્ડ્રોઈડ એપ પર રીયલ ટાઈમ ડેટા જોઈ શકાશે. આ અંગે વિદ્યાર્થી કૌશલ પ્રજાપતિ જણાવે છે કે, આ આઈઓટી બેઝ ડિવાઈસ છે જે એર પોલ્યુશન મોનિટરિંગ કરે છે. એટલે કે, જે પણ ડેટા સેન્સ કરશે તે તમામ ડેટા ફોનમાં જોવા મળશે. જે પેરામિટર્સ એડ કર્યા છે તે ફોનમાં રિયલ ટાઈમ જોવા મળશે. વિદ્યાર્થીઓના મેન્ટર પ્રો. શ્રીજી ગાંધી જણાવે છે કે, દિન પ્રતિદિન પોલ્યુશન વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા તેમજ કેન્સર અને અસ્થમા જેવી બીમારીઓ વધી રહી છે. ત્યારે આઈઓટી બેઝ આ ડિવાઈસ કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, ડસ્ટ એલપીજી સ્મોક ટેમ્પરેચર હ્યુમીડીટી જેવા પેરામીટરને મોનીટર કરશે અને તેનો રિયલ ટાઈમ ડેટા આપશે. આ સેલ્ફ પાવર ડિવાઈસ છે કોઈ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આ ડિવાઈસ મુકી દઈએ તો તેની મદદથી તે વિસ્તારમાં કેટલુ પોલ્યુશન થઈ રહ્યું છે તેનો રિયલ ટાઈમ ડેટા આપણને મળી શકે છે અને લોકેશન પણ ખબર પડી શકે છે.
ઈન્ડસ્ટ્રિયલ ઝોનમાં ત્રણ કે ચાર ડિવાઈસ ઈન્સટોલ કરી દેવાય તો કયા એરિયામાં કેટલુ પોલ્યુશન થયું છે તેનો રિયલ ટાઈમ ડેટા મળી જશે. ઉદાહરણ તરીકે જો કોઈ જીઆઈડીસી વિસ્તારમાં કોઈ કંપનીએ રાત્રિ દરમિયાન ફેઝ વનમાં પ્રદુષણ ફેલાવ્યું છે પરંતુ હવા પસાર થઈ તે સ્મોક ફેઝ 2માં જતો રહે તો એ ખ્યાલ આવતો નથી કે ફેઝ વનમાં પોલ્યુશન થયું છે કે ફેઝ ટુમાં. પરંતુ આ ડિવાઈસ ઈન્સટોલ કરી દેવામાં આવે તો તે રિયલ ટાઈમ ડેટા દ્વારા કયા ફેઝમાં પોલ્યુશન થયુ છે તેનો ખ્યાલ આવી શકે છે. આ ડિવાઈસ પ્રિલિમનરી ટેસ્ટીંગ કરી બનાવ્યું છે હજુ પણ ફરધર મોડીફીકેશન અને હાઈગ્રેડ ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ એફીસિયન્ટ બનાવી શકાશે. એટલું જ નહિ આ ડિવાસઈના માધ્યમથી ક્યુઆર કોડ સ્કેન કરી કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે કે તેમના વિસ્તારમાં કેટલુ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે.