હર્મેશ સુખડિયા, અમદાવાદ: ફેસબુક પર વિદેશી મહિલાના નામે મિત્રતા કેળવી ગિફ્ટ (Gift) મોકલવાની લાલચે છેતરપિંડી (Cheating) કરતી ગેંગ ઝડપાઇ છે. સાઇબર ક્રાઈમે (Cyber crime) એક નાઇજીરિયન યુવક અને મણિપુરના બે યુવકોની દિલ્હી (Delhi)થી ધરપકડ કરી છે. આરોપીઓએ અમદાવાદના આધેડ પાસેથી પાસેથી રૂ. 32 લાખની ઠગાઈ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુના પણ ઉકેલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમે ઉડેચુક્વુ ઓન્યેબુચી, માંગખોલુંન હાઉકીપ અને હેખોલમ ગમાર નામના આરોપી કે જે નાઈઝિરીયા અને મણીપુરના રહેવાસી છે, તેઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિદેશી મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે મિત્રતા કેળવતા હતા. બાદમા મોંઘી ગિફ્ટ મોકલી હોવાનુ જણાવી કસ્ટમ, રેવન્યૂ વિભાગના અધિકારી દ્વારા મની લોન્ડરિંગનો ગુનો નોંધવાની ધમકી આપી રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદના આધેડ પાસેથી 32 લાખ રૂપિયા અલગ-અલગ 14 એકાઉન્ટમાં નખાવ્યા બાદ જ્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો ત્યારે તપાસ કરતા આ ગેંગ પોલીસના હાથે ઝડપાઇ છે. ગેંગ પાસેથી 10 મોબાઇલ, અલગ-અલગ બેંકના કાર્ડ, પાસબુક, ચેકબુક, આધારકાર્ડ અને પાનકાર્ડ મળ્યા છે. ઉપરાંત આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તમામ બેન્ક એકાઉન્ટ આઠ હજારથી લઈ 15 હજાર રૂપિયાના ભાડા પર મેળવ્યા હતા. સાથે આ ગુનામાં એક મહિલાની પણ સંડોવણી સામે આવી છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.