હર્મેશ સુખડીયા, અમદાવાદઃ શહેરમાં કંપનીના કામથી આવેલા એક વૃદ્ધ રીક્ષામાં બેસીને નરોડા બેઠક પહોંચ્યા હતા, ત્યારે તેમની સાથે એક યુવતી પણ હતી. રીક્ષાવાળાએ ખોટા સરનામે ઉતારી દીધા બાદ આ વૃદ્ધ બેભાન થઇ ગયા હતા અને જેવી થોડા કલાકો બાદ આંખ ખોલી ત્યારે આ વૃદ્ધ નગ્ન હાલતમાં હતા અને તે યુવતી પણ તેમની સાથે નગ્ન હાલતમાં હતી. ત્યારે જ ત્રણેક શખ્સો આ મકાનમાં આવ્યા અને તમે શું ધંધા કરો છો? જેવી વાતો કરી વૃદ્ધ પાસે લાખો રૂપિયાની માંગ કરી હતી. વૃદ્ધે પતાવટ કરવા માટે 80 હજારની વાત કરતા શખ્સોએ પોલીસ સ્ટેશન જવાની ધમકી આપી બળાત્કારની ફરિયાદ નોંધાશે, તેવી ધમકીઓ આપી હતી. સમગ્ર મામલે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કચ્છ ખાતે રહેતા 56 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની અને બે બાળકો સાથે રહે છે અને હિંમતનગર ખાતે આવેલી એક કંપનીમાં રિજયોનલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ આ કંપનીમાં માર્કેટિંગનું કામ કરતા હોવાથી અમુક દિવસે કંપની ઉપર જાય છે, બાકી કંપનીના કામથી બહાર જતા હોય છે. ગત 3 જાન્યુઆરીના રોજ તેઓ કંપનીના માર્કેટિંગના કામથી અમદાવાદ આવ્યા હતા. તે સમયે પાલડી ચંદ્રનગર ખાતે તેઓ તેમના સંબંધીના ઘરે ગયા હતા અને રાત રોકાઈને તારીખ 4ના રોજ ગુપ્તાનગર ખાતે કંપનીનું ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર આવેલું હોવાથી ત્યાં કામ પૂરું કરી અંજલી ચાર રસ્તા એક હોટલમાં કંપનીના કામ માટે ગયા હતા. ત્યાર બાદ તેઓ અંજલી ચાર રસ્તાથી બીઆરટીએસ બસમાં બેસી નરોડા ગામમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે નરોડા બેઠક ખાતે આવતા એક રીક્ષા મળી હતી. તે રીક્ષામાં બેસીને તેઓ નીકળ્યા હતા ત્યારે રીક્ષાચાલકે નાના ચિલોડા ખાતે રીક્ષા લઈ જતા વૃદ્ધે ચાલકને નરોડા ગામમાં જવાનું હતું, તેમ કહેતા તેઓને ચાલકે ત્યાં ઉતારી દીધા હતા. આ દરમિયાન રિક્ષામાં બેઠેલી એક છોકરીએ તેમને કોઈ કેફી પદાર્થ સુંઘાડી દીધા બાદ તેમને કંઈ ખબર પડી નહોતી.
થોડા સમય પછી તેમની આંખ ખુલતા તેવો નગ્ન અવસ્થામાં સૂતેલા હતા અને એક મકાનમાં હતા. બાદમાં રીક્ષામાં બેઠેલી છોકરી પણ નગ્ન અવસ્થામાં હતી, ત્યારે મકાનના મુખ્ય દરવાજામાંથી ત્રણ લોકો આવ્યા હતા અને એકબીજાના નામ બોલતા હતા. જે ત્રણેય શખ્સો સમીર, જુબેર, મોહિત ચૌધરી નામથી વાત કરતા હતા. આ શખ્સોએ તમે શું કરો છો? તેમ કહી આ છોકરીને બોલવા લાગ્યા હતા અને બાદમાં કપડાં પહેરવાનું કહેતા વૃદ્ધે કપડાં પહેરી લીધા હતા અને બાદમાં તેમની પૂછપરછ કરી વૃદ્ધના ડોક્યુમેન્ટ લઈ લીધા હતા. બાદમાં તમે આવા કામ કરો છો? જેથી તમારે પોલીસ સ્ટેશન ખાતે આવવું પડશે, તેમ કહેતા વૃદ્ધે મારા વકીલને વાત કરી લેવા દો પછી લઈ જાઓ, તેવી આજીજી કરી હતી. ત્યારે આ શખ્સોએ પોલીસ સ્ટેશન જઈને વાત કરી લેજો, તેમ કહેતા વૃદ્ધે ગમે તેમ રીતે પૂરું કરો તેમ કહેતા આ શખ્સોએ કેટલા પૈસા આપશો તેમ પૂછતા વૃદ્ધે 10થી 15 હજાર આપી શકે તેવું કહેતા શખ્સોએ અમારે સાહેબને વાત કરવી પડશે તેમ કહી એક લાખ રૂપિયા માંગ્યા હતા.
જોકે, વૃદ્ધે આટલા રૂપિયા ન હોવાનું કહેતા આ શખ્સોએ 80,000 રૂપિયાની માંગણી કરી હતી. જે યુવતી સાથે હતી તેને આ મકાનમાં જ રહેવા દીધી હતી. બાદમાં આ શખ્સો એક ગાડીમાં વૃદ્ધને લઈ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફર્યા હતા. બાદમાં ફોન કરાવી પૈસાની સગવડ કરી દો, તેમ કહી જે ફ્લેટમાં આ વૃદ્ધને રાખ્યા હતા ત્યાં પરત લઈ ગયા હતા.
બાદમાં યુવતી સહિતના લોકોએ કોઈ કાગળમાં આ વૃદ્ધ પાસે સહી કરાવી તેમના ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. બાદમાં શખ્સોએ આ યુવતીને કહ્યું કે, તારા પતિને બોલાવી અમે જેમ કહીએ તેમ તારે ફરિયાદ લખાવવાની કહીને વૃદ્ધને ફસાવવાનો પ્રયત્ન કરતા હતા. આમ બળાત્કારનો કેસ કરી પૈસાની માગણી કરનાર લોકો સામે વૃદ્ધે ફરિયાદ આપતા પોલીસે સમગ્ર બાબતને લઈને તપાસ શરૂ કરી છે.