અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગમાં આઠ દર્દીનાં મોત થયા. જેમાંથી અમુક દર્દીના ગૂંગળામણથી તો અમુકના દાઝી જવાને કારણે મોત થયા હતા. આ તમામ લોકોની કોરોનાની સારવાર ચાલી રહી હતી અને તેમને હૉસ્પિટલના ICU વિભાગમાં રાખવામાં આવ્યા હતા. આગ બાદના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જે જગ્યાએ આગ લાગી હતી તે ICU વિભાગ બળીને ખાખ થઈ ગયો છે. આઈસીયૂમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગયેલી જોઈ શકાય છે.
હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને એસવીપીમાં ખસેડવામાં આવ્યા : શ્રેય હૉસ્પિટલમાં આગની ઘટના બાદ ત્યાં દાખલ દર્દીઓને એસવીપી હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. એસવીપી તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ જાહેરાત પ્રમાણે હાલ આગની ઘટનામાં ઘાયલ થયેલા એક પેરા મેડિકલ સ્ટાફ સહિત 42 લોકો એસવીપી ખાતે સારવાર માટે દાખલ છે. આ તમામ લોકોની હાલત સ્થિત છે. 42 લોકોમાં 27 પુરુષ અને 15 મહિલા છે.
હૉસ્પિટલ સંચાલક ભરત મહંતની અટકાયત : આગની ઘટના બાદ શ્રેય હૉસ્પિટલના સંચાલક ભરત મહંતની પોલીસ તરફથી અટકાયત કરી લેવામાં આવી છે. ભરત મહંત કૉંગ્રેસના એક સમયના મંત્રી વિજય મહંતના પુત્ર છે. વિજય મહંત માધવસિંહ સોલંકી સરકારમાં કેબિનેટ મંત્રી હતી. તેઓ બે વખત કુતિયાણા બેઠક પરથી બિનહરિફ ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે પણ હી ચુક્યા છે. જોકે, એવી પણ માહિતી મળી છે કે ભરત મહંતના પિતાએ 1990ના વર્ષ બાદ રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો છે. હૉસ્પિટલના મુખ્ય સંચાલક ભરત મહંત ઉપરાંત ચાર ટ્રસ્ટી પણ હોવાની માહિતી સામે આવી છે.
મૃતકોના પરિવારને ચાર લાખની સહાયની જાહેરાત : નવરંગપુરાની કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં અવસાન પામેલા દર્દીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. (તસવીર : નવનીત શાહ- મૃતક)
કૉંગ્રેસ ન્યાય માટે લડત આપશે : આ મામલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુક અમિત ચાવડા તેમજ કૉંગ્રેસના અન્ય નેતા તરફથી નિવેદન આપવામાં આવ્યા હતા. જે પ્રમાણે આ ઘટનામાં કૉંગ્રેસ પરિવારોને ન્યાય અપાવવા માટે લડત લડશે. અમિત ચાવડાએ ફાયર સેફ્ટીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બીજી તરફ સરકાર તરફથી આ મામલે તપાસ માટે ત્રણ લોકોની એક કમિટિ બનાવી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીન નીતિન પટેલના કહેવા પ્રમાણે આ ઘટનામાં જે પણ દોષિત હશે તેમની સામે કડક હાથ કામ લેવામાં આવશે. આ મામલે વિજય રૂપાણીએ ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. (તસવીર : નરેન્દ્ર શાહ - મૃતક)