અમદાવાદ: લોકોની સુખાકારી માટે દોડાવવામાં આવતી બીઆરટીએસ બસ (Ahmedabad BRTS bus accident)ને વધુ એક અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત ચાર જેટલા મુસાફરોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. અકસ્માત બાદ બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. બસનું આગળનું ટાયર ફાટ્યા બાદ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ સીધી જ બીઆરટીએસના ટ્રેક વચ્ચે આવેલા ડિવાઇડર પર બનાવવામાં આવેલા સાઇન બોર્ડના પોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદનસિબે પોલ તૂટ્યો ન હતો નહીં તો મોટી જાનહાની થઈ શકતી હતી. આ બસ ઇસ્કોન બ્રિજ તરફથી શિવરંજની તરફ જઈ રહી હતી. (ઇનપુટ/તસવીરો: પ્રણવ પટેલ)
અકસ્માત બાદ બસને ટો કરીને સર્વિસ સેન્ટર ખાતે ખસેડવાની કામગારી શરૂ કરવામાં આવી હતી. બસનું જે ટાયર ફાટી ગયું છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે તેની ગ્રીપ પૂરી થઈ ગઈ છે, એટલે કે તેનું આયુષ્ય ખતમ થઈ જવા આવ્યું હોવા છતાં તેનું સમારકામ કે બદલવામાં આવ્યું ન હતું. જોકે, આ અકસ્માત માનવસર્જીન ભૂલને કારણે નથી થયો. ટાયર ફાટવાને કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.